ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર? ફાઈનલ ચર્ચા માટે 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક

| (IMAGE - IANS) |
India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલ પર હવે જલ્દી વાતચીત સફળ થવાની આશા વધી છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો તરફથી મળેલા સકારાત્મક સંકેતો બાદ હવે એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. આગામી સપ્તાહે અમેરિકન અધિકારીઓની એક ટીમ દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાના ઉદ્દેશ્યથી ભારતની મુલાકાત લેવાની છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર કરારને લઈને બાકી રહેલા તમામ મુદ્દાઓ પર વાતચીત થવાની અને અંતિમ નિર્ણય લેવાઈ શકે તેવી પ્રબળ સંભાવના છે.
ત્રણ દિવસ સુધી ચાલશે બેઠક
રિપોર્ટ્સ અનુસાર, ભારત-અમેરિકા ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે આગામી તબક્કાની વાતચીત માટે આવી રહેલી અમેરિકન ટીમનું નેતૃત્વ ડેપ્યુટી યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ(USTR) રિક સ્વિટ્ઝર કરશે. આ ત્રણ દિવસીય બેઠક 10 ડિસેમ્બરના રોજ શરૂ થશે અને 12 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. તેમજ આ બેઠકમાં ટ્રેડ ડીલને લગતા અટકેલા મુદ્દાઓ ઉપરાંત, ભારત પર લાગુ કરાયેલા અમેરિકન ટેરિફમાં સંભવિત ઘટાડા પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે.
રશિયન ક્રૂડ ઓઇલ અને ટેરિફનો મુદ્દો
નોંધનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઑગસ્ટ મહિનામાં રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીના મામલે ભારત પર લાગુ કરાયેલા 25% રેસીપ્રોકલ ટેરિફને બમણો કરીને 50% કરી દેવાયો હતો. ત્યારથી આ ટ્રેડ ડીલની વાતચીત અટકી પડી હતી. જોકે, સપ્ટેમ્બર મહિનામાં અમેરિકન અધિકારીઓએ ભારતની મુલાકાત લીધી હતી અને ત્યારથી વાત ફરી ટ્રેક પર આવી છે. 50% ટેરિફ લાગુ થયા પછી અમેરિકન અધિકારીઓનો આ બીજો ભારત પ્રવાસ છે.
ડીલને લઈને અત્યાર સુધીના સકારાત્મક સંકેતો
ટ્રેડ ડીલને લઈને છેલ્લા કેટલાક મહિનામાં ભારત અને અમેરિકા બંને તરફથી હકારાત્મક સંકેતો મળ્યા છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, 'જલ્દી જ અમે એક સારી ડીલ લોક કરી રહ્યા છીએ.'
સપ્ટેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ ટ્રેડ ડીલ આગળ વધવાની વાત કરી હતી. આ ઉપરાંત વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પણ કહ્યું હતું કે, 'ભારત આ વર્ષે અમેરિકા સાથે વેપાર સમજૂતી પર પહોંચવાની આશા રાખે છે, જેનાથી ભારતીય નિકાસકારોને લાભ થશે.'
આ પણ વાંચો: 18 વર્ષ પછી IPOની સંખ્યા પહેલી વાર 100ને પાર
ટેરિફમાં ઘટાડાનો અંદાજ
છેલ્લા છ રાઉન્ડની વાતચીત પછી પણ અંતિમ નિર્ણય આવ્યો નથી. જોકે, બ્રોકરેજ ફર્મ પણ ભારતીય નિકાસો પર લાગુ 50% ટેરિફમાં ઘટાડાનો અંદાજ લગાવી રહ્યા છે. જેમાં નોમુરા(Nomura)એ જણાવ્યું હતું કે, 'આ ડીલ જલ્દી સાઈન કરવામાં આવશે અને ભારત પર ટેરિફ 20 ટકાની આસપાસ નક્કી કરવામાં આવશે. આ ડીલ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે.'
ટ્રેડ ડીલનું લક્ષ્ય શું છે?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વધારવાનો છે. હાલમાં દ્વિપક્ષીય વેપાર લગભગ $191 અબજ છે. બંને દેશો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વધારીને $500 અબજ સુધી પહોંચાડવા માંગે છે. ભારતીય નિકાસકારો માટે આ સમજૂતી અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે 50% ટેરિફ લાગુ થયા પછી ઑક્ટોબરમાં સતત બીજા મહિને અમેરિકામાં ભારતની નિકાસમાં 8.58% નો ઘટાડો નોંધાયો છે.

