મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર બની રહ્યું છે. વિશ્વમાં ક્રુડ સ્ટીલના બીજા મોટા ઉત્પાદક દેશ ભારતે ગયા નાણાં વર્ષમાં ૬૬ લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરી છે, જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ની તુલનાએ ૩૫.૯૦ ટકા વધુ છે.
ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ ૮ ટકા વધી ૧૬.૪૨ કરોડ ટન રહ્યો હતો. ભારતના ફિનિશ્ડ સ્ટીલના મોટા ખરીદદારોમાં સ્પેન, યુએઈ, ઈટાલી, બેલ્જિયમ તથા વિયેતનામનો સમાવેશ થાય છે. ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત ૩૧.૭૦ ટકા ઘટી ૬૫ લાખ ટન રહી હતી, એમ સ્ટીલ મંત્રાલયના ડેટા જણાવે છે.
ચીન, જાપાન, રશિયા તથા દક્ષિણ કોરિઆ ભારત ખાતે સ્ટીલના મોટા નિકાસકાર દેશો છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં દેશનું ક્રુડ સ્ટીલ ઉત્પાદન ૧૧.૨૦ ટકા વધી ૧૬.૯૨ કરોડ ટન રહ્યું હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.
સ્ટીલની આયાતને નિયંત્રણમાં રાખવા સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાંને પરિણામે આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. ઘરઆંગણેના સ્ટીલ ઉત્પાદકોને રાહત પૂરી પાડવા સરકારે ૨૦૨૫ના અંતે કેટલાક સ્ટીલ પ્રોડકટસ પર ત્રણ વર્ષ માટે ૧૨ ટકા સુધી ટેરિફ લાગુ કરી હતી. ઘરઆંગણે સસ્તા સ્ટીલની થતી આયાત ખાસ કરીને ચીન ખાતેથી થતી આયાત પર અંકૂશ મૂકવાના ભાગરૂપ આ નિર્ણય આવી પડયો હતો.
આ ડયૂટી ચીન, નેપાળ તથા વિયેતનામ ખાતેથી આયાત થતા સ્ટીલ પર વસૂલવામાં આવે છે. અમેરિકા દ્વારા વિવિધ દેશો પર લાગુ કરવામાં આવેલા ટેરિફને કારણે ભારતમાં સ્ટીલની આયાતમાં તાજેતરમાં વધારો જોવા મળ્યો હતો.


