Business

મોંઘવારી વધી ! ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધતાં ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 3.21% થયો

By GS Team
12 Mar 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય સંકટ અને વૈશ્વિક વેપારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને 3.21 ટકા નોંધાયો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારી વધી ! ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધતાં ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 3.21% થયો

India Retail Inflation : પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય સંકટ અને વૈશ્વિક વેપારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને 3.21 ટકા નોંધાયો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે.

જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર 2.75 ટકા હતો

સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર (CPI) 2.75 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 3.21 ટકા પર પહોંચ્યો છે. આ મોંઘવારી શહેરો કરતાં ગામડાઓમાં વધુ અનુભવાઈ રહી છે. ફેબ્રુઆરીમાં ગ્રામીણ મોંઘવારી દર 3.37 ટકા અને શહેરી મોંઘવારી દર 3.02 ટકા રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે, આ આંકડો હજુ પણ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)ના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે છે.

આ પણ વાંચો : ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો

દેશમાં મોંઘવારી વધવાનું સૌથી મુખ્ય કારણ ખાણી-પીણીની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર જાન્યુઆરીના 2.13 ટકાથી તેજીથી ઉછળીને 3.47 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત હાઉસિંગ ક્ષેત્રે મોંઘવારી 2.05 ટકાથી વધીને 2.12 ટકા થઈ છે, જ્યારે ઈંધણ અને લાઇટ કેટેગરીમાં મોંઘવારી દર 0.14 ટકા નોંધાયો છે. બીજી તરફ કેટલીક વસ્તુઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓનો દર 2.19 ટકાથી ઘટીને 1.90 ટકા અને કપડાં-બૂટની મોંઘવારી 2.98 ટકાથી ઘટીને 2.81 ટકા રહી છે.

આયાતી મોંઘવારીનું જોખમ વધ્યું

ઈરાન સંકટને કારણે હોર્મુઝ જળમાર્ગ પર વેપારી જહાજોની અવરજવર ખોરવાઈ છે, જ્યાંથી વિશ્વનો આશરે 20 ટકા તેલ વેપાર થાય છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો લાંબા સમય સુધી આ પુરવઠો ખોરવાયેલો રહેશે તો ભારત જેવા ઊર્જા પર નિર્ભર દેશોમાં આયાતી મોંઘવારી વધવાનું જોખમ ઊભું થઈ શકે છે.

આ પણ વાંચો : ‘દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા શરૂ', લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી