મનુષ્ય હજી પણ એઆઈ કરતા વધુ ચબરાક, રચનાત્મકતામાં પછાડયું
- એઆઈ અને ગૂગલની બુદ્ધિ સમાન સાબિત થઈ
- અભ્યાસમાં ઈન્ટરનેટ અને એઆઈની બુદ્ધિમતા વચ્ચે સામ્ય જણાયું જ્યારે બે વ્યક્તિઓની જોડી ચાલાક સાબિત થઈ
અગાઉ રમૂજમાં પણ મનુષ્ય એઆઈ કરતા બહેતર સાબિત થયો હતો, હવે બ્રેનસ્ટોર્મિંગમાં પણ આગળ નીકળી ગયો
ધી જર્નલ ઓફ ક્રિએટીવ બિહેવીયરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર બે લોકો મળીને બ્રેન સ્ટોર્મિંગ કરે તો તેઓ એઆઈનો ઉપયોગ કરનારા કરતા બહેતર આઈડિયા આપી શકે છે. યુનિવર્સિટી ઓફ સ્કેપહોસેનના સંશોધકો અનુસાર એનાથી સ્પષ્ટ થયું છે કે ભલે ચેટજીપીટી જેવી એઆઈ ટેકનીક આવી ગઈ હોય પણ રચનાત્મકતાની બાબતમાં તે હજી પણ મનુષ્યને પરાસ્ત નહિ કરી શકે.
વાસ્તવમાં રિસર્ચ કરવા માટે કેટલાક જૂથો બનાવાયા હતા. એક જૂથમાં માત્ર મનુષ્ય, બીજામાં મનુષ્ય અને ઈન્ટરનેટ તેમજ ત્રીજા જૂથમાં મનુષ્ય અને એઆઈ સામેલ હતા. તેમને કેટલાક રચનાત્મક કાર્ય સોંપવામાં આવ્યા જેવા કે કાંટા ચમચીના અન્ય શું ઉપયોગ થઈ શકે, પેન્ટને પહરેવા સિવાય બીજા કયા ઉપયોગમાં લઈ શકાય. આ જૂથોએ અલગ અલગ બ્રેન સ્ટોર્મિંગ કર્યું, જેના પછી પરિણામો સામે આવ્યા.
રિસર્ચમાં જાણ થઈ કે જે જૂથમાં માત્ર મનુષ્યો હતા, તેમણે સૌથી વધુ રચનાત્મક આઈડિયા આપ્યા. બાકીના બે જૂથના તર્ક લગભગ એક સમાન હતા. એટલે જે આઈડિયા ગૂગલ પર હોય, લગભગ તેવી જ આઈડિયા ચેટજીપીટી પર પણ હતી. બંને ખાસ કોઈ તફાવત નહોતો. આથી સાબિત થઈ ગયું મનુષ્યનું મગજ વધુ સારુ ચાલે છે.
રિસર્ચમાં એવો પણ નિષ્કર્ષ નીકળ્યો કે મનુષ્યોના જૂથમાં એક મનુષ્ય પોતાના સાથી સાથે સંપીને કામ કરતા હતા. બીજી તરફ જે જૂથમાં મનુષ્યની સાથે ગૂગલ હતા, તેઓ પોતાને જ મહત્વ આપી રહ્યા હતા. ત્રીજુ જૂથ, જેમાં મનુષ્ય સાથે એઆઈ હતું, તેમાં મનુષ્યએ એઆઈને વધુ મહત્વ આપ્યું હતું. એનાથી સાબિત થયું કે મનુષ્ય ગૂગલ કરતા એઆઈને વધુ વિશ્વસનીય ગણે છે.