પાકિસ્તાન, તુર્કેઈ બાદ હવે બાંગ્લાદેશ સામે ભારત સરકારની કાર્યવાહી, અનેક વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ
India-Bangladesh Trade : ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ભારતે બાંગ્લાદેશથી ભારતમાં આયાત કરાતા તૈયાર વસ્ત્રો, પ્રોસેસ કરાયેલી ફૂડ વસ્તુઓ વિગેરે જેવી કેટલીક ચીજવસ્તુઓની આયાત પર બંદર પ્રતિબંધો લાદી દીધા છે. ભારતનો આ નિર્ણય બાંગ્લાદેશ માટે મોટો ફટકો બની શકે છે.
નેપાળ-ભૂટાનને રાહત
મીડિયા રિપોર્ટ મુજબ, ભારતથી નેપાળ અને ભૂટાત આયત કરાતી વસ્તુઓ પર આ નિયમ લાગુ પડશે નહીં. બાંગ્લાદેશથી આવતા અને ભારતીય બંદરો દ્વારા નેપાળ અને ભૂટાન જતા માલ પર કોઈપણ પ્રકારના નિયંત્રણો રહેશે નહીં.
કયા સામાનો પર પ્રતિબંધ મૂકાયો
રિપોર્ટ મુજબ, રેડીમેડ કપડા ઉપરાંત, પ્લાસ્ટિક, લાકડાના ફર્નિચર, કાર્બોનેટેડ પીણાં, પ્રોસેસ થયેલી ફૂડ વસ્તુઓ, ફળોના ઉપયોગવાળા પીણાં, કપાસ અને કપાસના યાર્ડના કચરાને મેઘાલય, આસામ, ત્રિપુરા અને મિઝોરમ અને પશ્ચિમ બંગાળના ફુલબારી અને ચાંગરાબંધામાં ચેક પોસ્ટ દ્વારા ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ નિર્ણય કેમ લેવાયો?
ભારતનું કહેવું છે કે, આપણી દેશે અત્યાર સુધી બાંગ્લાદેશને તમામ જમીન અને દરિયાઈ માર્ગો દ્વારા માલસામાનની હેરફેર કરવાની મંજૂરી આપી છે. પરંતુ બાંગ્લાદેશે ઘણી સરહદો પર, ખાસ કરીને ઉત્તરપૂર્વીય રાજ્યો સાથેની સરહદો પર, ભારતથી આવતા માલ પર પ્રતિબંધો લાદ્યા છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણયની શું અસર થશે?
બાંગ્લાદેશ દર વર્ષે ભારતમાં આશરે 700 મિલિયન ડૉલરના રેડીમેડ વસ્ત્રોની નિકાસ કરે છે. આમાંથી 93% કપડાં સરહદી ચેકપોઈન્ટ પરથી આવે છે. હવે માત્ર કોલકાતા અને ન્હાવા શેવા બંદરોથી જ આયાત કરાશે. આ કારણે બાંગ્લાદેશના વેપારને અસર થશે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ત્યાં આતંકવાદીઓને અનેક ઠેકાણા પર હુમલા કર્યા છે. બીજીતરફ આ તમામ ઘટના ક્રમ વચ્ચે તુર્કેઈએ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે, જેના જવાબમાં ભારતના વેપાર જગતે તુર્કેઈની પણ શાન ઠેકાણે લાવી દીધી છે. અને હવે ભારતે બાંગ્લાદેશ સામે કાર્યવાહી કરી આર્થિક ઝટકો આપ્યો છે.