‘...તો અમે હંમેશા વડાપ્રધાન સાથે ઉભી રહીશું’ શિવસેના યુબીટીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની જાહેરાત
Maharashtra News : મહારાષ્ટ્રના દાદર સ્થિત શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા પ્રમુખોની આજે (17 મે) બેઠક યોજાઈ હતી. આ દરમિયાન તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવ સહિત અનેક મુદ્દે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવએ કહ્યું કે, અમે દેશના વિરુદ્ધમાં નથી, પરંતુ સરકારના વિરોધમાં જરૂર છીએ.
‘એક સમયે દેશમાં ભાજપ નહીં રહે, પરંતુ કાશ્મીર આપણું જ રહેશે’
સૂત્રોના જણાવ્યા મુજબ, બંધ રૂમમાં યોજાયેલી શિવસેના યુબીટી (Shiv Sena UBT)ની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે, ‘કાશ્મીર અમારું છે, કાશ્મીર કાલે પણ અમારું હતું, આજે પણ અમારું છે અને કાલે પણ અમારું રહેશે. એક સમય એવો આવશે, જ્યારે દેશમાં ભાજપ નહીં રહે, પરંતુ કાશ્મીર આપણું જ રહેશે.
‘અમે દેશ વિરુદ્ધ નહીં, સરકારની વિરુદ્ધ’
ઠાકરેએ બેઠકમાં કહ્યું કે, ‘આપણો વૈચારિક વિરોધ થઈ શકે છે, પરંતુ જ્યારે દેશ સંકટનો સામનો કરે છે, ત્યારે અમે હંમેશા વડાપ્રધાનની સાથે ઉભા રહીશું. અમે દેશની વિરુદ્ધ નથી, પરંતુ અમે ચોક્કસ સરકારની વિરુદ્ધ છીએ.’
ઉલ્લેખનિય છે કે, પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, જેને લઈને શિવસેના યુબીટીએ કેન્દ્ર સરકાર સાથે ઉભા રહેવાની વાત કહી છે.