VIDEO : દિલ્હીમાં વરસાદનો કહેર, સ્ટેશનની છત ઉડી, અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી, દિવાલ પડતાં ત્રણના મોત
Delhi Rain : દિલ્હીમાં ભારે વરસાદ અને પવનના કારણે અનેક સ્થળે હાલત કફોડી થઈ ગઈ છે. વરસાદના કારણે સ્ટેશનની છત ઉડી ગઈ છે, તો અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. આ ઉપરાંત દિવાલ પડવાના કારણે ત્રણ લોકોના પણ મોત થયા છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
નબી કરીમ વિસ્તારમાં દિવાલ તૂટી, ત્રણના મોત, ત્રણને ઈજા
મળતા અહેવાલો મુજબ નબી કરીમ વિસ્તારમાં અરકાંશા રોડ પર એક દિવાલ ધરાશાઈ થતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને ઈજા થઈ છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને તાત્કાલીક રેસ્ક્યૂ કરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ મૃતકોમાંથી બે બિહારના અને એક ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. બિહારના મુંગેરના 65 વર્ષીય પ્રભુ અને મુંગેરના 40 વર્ષીય નિરંજનાનું મોત થયું છે. આ અકસ્માતમાં ઉત્તર પ્રદેશના આઝમગઢના 35 વર્ષીય રોશનનું પણ મોત થયું છે.
ભારે પવનના કારણે સ્ટેશનને પણ નુકસાન
રાજધાનીમાં બપોરે ભારે પવન ફુંકાયો હતો, જેના કારણે ન્યૂ અશોક નગર સ્થિત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ (RRTC) સ્ટેશનને નુકસાન થયું છે. સ્ટેશન પાસેની છત નીચે અનેક લોકો ઉભા હતા, ત્યારે અચાનક પવન ફૂંકાયા બાદ સ્ટેશનની છત ઉડી ગઈ છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને પણ નુકસાન થયું નથી.
રસ્તાઓ પર ટ્રાફિક જામ
તાજેતરમાં દિલ્હી-એનસીઆરમાં હવામાન બદલાયું છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ સાથે ભારે વાવાઝોડું પણ આવ્યું છે. વરસાદ દરમિયાન રસ્તાઓ પર લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી અને રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડવાના અહેવાલો પણ છે. હવામાન વિભાગે વરસાદ અંગે પહેલાથી જ ચેતવણી જારી કરી હતી.
નોઈડામાં પણ જોરદાર વાવાઝોડું
નોઈડામાં પણ ભારે વરસાદ પડ્યો છે અને આ દરમિયાન જોરદાર તોફાન પણ આવ્યું હતું. પૂર્વ દિલ્હીમાં પણ કરા પડ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીથી લોકો પરેશાન હતા. આવી સ્થિતિમાં વરસાદથી લોકોને રાહત મળી છે. વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં ઘણા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગે 16 થી 21 મે દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં વરસાદની આગાહી કરી છે.
રિપોર્ટ મુજબ દિલ્હી સ્થિત ગુરુદ્વારા બંગલા પાસે ભારે પવન ફૂંકાયો હગો, જેના કારણે એક વૃક્ષ ધરાશાયી થઈ રિક્ષા પર પડ્યું છે. આ ઉપરાંત રાજધાનીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની પણ માહિતી સામે આવી છે, જેના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.