'જો હું શંકાસ્પદ સ્થિતિમાં મરી જાઉં તો...', એલોન મસ્કની ટ્વિટથી ખળભળાટ

- એક વ્યક્તિએ તો લખ્યું હતું કે, જો મસ્કને કશું થઈ જાય તો તે ટ્વિટરને પોતાના પાસે રાખી શકે?
નવી દિલ્હી, તા. 09 મે 2022, સોમવાર
એલોન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદ સતત ચર્ચામાં છે ત્યારે તેમની તાજેતરની એક ટ્વિટના લીધે ભારે ખળભળાટ મચ્યો છે. આ ટ્વિટમાં તેમણે 'શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ'ની વાત કરી છે. તેમની આ ટ્વિટ પર સતત લોકોના રિએક્શન આવી રહ્યા છે.
એલોન મસ્કે ટ્વિટમાં લખ્યું હતું કે, 'જો શંકાસ્પદ સંજોગોમાં મારૂં મૃત્યુ થાય તો તે ઘણે અંશે nice knowin ya હશે.' એલોન મસ્કની આ ટ્વિટનો સીધી રીતે કોઈ અર્થ નથી સમજાઈ રહ્યો પરંતુ એક અંદાજ પ્રમાણે મસ્ક Nice Knowin' Ya ગીતનો ઉલ્લેખ કરી રહ્યા છે.
મસ્કે જે ગીત કે આલ્બમનો ઉલ્લેખ કર્યો છે તે TWENTY2 નામના બેન્ડનું છે જે વર્ષ 2018માં રીલિઝ થયું હતું.
મસ્કની આ ટ્વિટ ટાઈમલાઈન પર આવતાની સાથે જ ખૂબ વાયરલ થઈ ગઈ છે. મસ્કની આ ટ્વિટને એક કલાકથી પણ ઓછા સમયમાં 33,000થી વધારે લોકોએ રીટ્વિટ કરી હતી.
મસ્કની ટ્વિટ પર લોકોના મજેદાર રિએક્શન
એલોન મસ્કની ટ્વિટ પર લોકો તેમના જેમ હળવા અંદાજમાં પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જવાબમાં લોકો કહી રહ્યા છે કે, દુનિયાને હજુ મસ્કની ખૂબ જરૂર છે માટે તેઓ આટલી ઝડપથી ન જઈ શકે. એક યુઝરે લખ્યું હતું કે, આપણે કોઈ પણ કિંમતે મસ્કને બચાવવા પડશે.
જોકે અમુક યુઝર મસ્કની આ ટ્વિટ મુદ્દે સીરિયસ થઈ ગયા હતા. એક વ્યક્તિએ લખ્યું હતું કે, આવું મજાકમાં પણ ન વિચારતા. હજુ તમારે અનેક સમસ્યાઓ ઉકેલવાની છે.
અમુક ટ્વિટર યુઝર્સે લખ્યું હતું કે, તેઓ મસ્કને બચાવી લેશે. એક વ્યક્તિએ તો લખ્યું હતું કે, જો મસ્કને કશું થઈ જાય તો તે ટ્વિટરને પોતાના પાસે રાખી શકે?




