હુરુન ઈન્ડિયાની અબજપતિઓની યાદીમાં 94 નવા ચહેરા, ભારતના 300 પરિવારનો દૈનિક 7100 કરોડનો વેપાર
India Billionaires Family List 2025: ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં અબજોપતિઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતના ધન કૂબેરોની યાદી તૈયાર કરતી બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ હુરુન ઈન્ડિયાની વર્ષ 2025ની યાદીમાં 100 નવા પરિવારોનો સમાવેશ થયો છે, જેને પગલે કુલ 300 પરિવારોની વેલ્યુ 134 લાખ કરોડ રૂપિયા અને સરેરાશ દૈનિક કુલ વેપાર 7100 કરોડ થઈ ગયો હતો, જે તુર્કીયે અને ફિનલેન્ડની સંયુક્ત જીડીપીથી પણ વધુ છે. દેશના ટોચના 10 પરિવારોની કુલ વેલ્યુ 40.4 લાખ કરોડ છે, જે ગયા વર્ષ કરતાં 4.6 લાખ કરોડનો વધારો દર્શાવે છે.
અંબાણી પરિવાર સતત બીજા વર્ષે પહેલા નંબરે
હુરુન ઈન્ડિયાની સૌથી વધુ વેલ્યુ ધરાવતા પારિવારિક ઔદ્યોગિક જૂથની યાદીમાં અંબાણી પરિવાર સતત બીજા વર્ષે નંબર-1 પર છે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વેલ્યુ 28.2 લાખ કરોડ છે. અંબાણી પછી બીજા ક્રમ પર કુમાર મંગલમ બિરલા પરિવાર છે, જેમની વેલ્યુ 6.5 લાખ કરોડ છે. ત્રીજા નંબરે જિન્દાલ પરિવારની વેલ્યુ 5.7 લાખ કરોડ છે. આ ત્રણેય પરિવારોનું કુલ સંયુક્ત મૂલ્ય જીડીપીની દ્રષ્ટિએ ફિલિપાઇન્સ સમકક્ષ છે. પહેલી પેઢીના સૌથી મૂલ્યવાન બિઝનેસમાં અદાણી પરિવાર 14 લાખ કરોડ સાથે પહેલા અને પૂનાવાલા પરિવાર 2.3 લાખ કરોડ સાથે બીજા નંબરે છે. ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગના પ્રમુખ 93 વર્ષના કનૈયાલાલ માણેકલાલ શેઠ સૌથી વૃદ્ધ સક્રિય બિઝનેસ લીડર છે.
આ પણ વાંચોઃ સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના
હુરૂન ઈન્ડિયાની આ યાદીમાં સૌથી વધુ બીજી પેઢીના 227 ઔદ્યોગિક પરિવાર છે, જ્યારે ત્રીજી પેઢીના 50 પરિવાર અને ચોથી પેઢીના 18 પરિવારોનો સમાવેશ થાય છે. સૌથી જૂનો ઔદ્યોગિક વાડિયા પરિવારની વેલ્યુ 1.58 લાખ કરોડ છે. બાર્કલે પ્રાઇવેટ બેન્કના એશિયા પેસિફિક વડા નીતિન સિંહના જણાવ્યા મુજબ, આગામી પાંચ વર્ષમાં ભારતના મોટા ઔદ્યોગિક પરિવારોની અંદાજે 130 લાખ કરોડથી વધુની સંપત્તિ એક પેઢીથી બીજી પેઢીને મળશે, જે અત્યાર સુધીમાં સૌથી મોટી સંપત્તિ ટ્રાન્સફર હશે. રિપોર્ટ મુજબ હવે 71 પરિવારો એવા છે, જે પોતાની અલગ પારિવારિક ઓફિસ ચલાવે છે, જેથી પોતાના રૂપિયા અને વેપાર વધુ સારી રીતે સંભાળી શકે અને આગામી પેઢીને સરળતાથી કારોબાર સોંપી શકે.
300 પરિવારોએ 1.8 લાખ કરોડનો ટેક્સ ચુકવ્યો
નીતિન સિંહે કહ્યું કે, આ પરિવારો માત્ર કમાણી જ નથી કરી રહ્યા, પરંતુ નવા ઉદ્યોગો લગાવી રહ્યા છે, નોકરીઓ આપી રહ્યા છે અને દેશના કોર્પોરેટ ટેક્સમાં 15 ટકા સુધીનું યોગદાન આપી રહ્યા છે. ગયા વર્ષે ટોચના 300 પરિવારોએ 1.8 લાખ કરોડનો ટેક્સ આપ્યો અને 20 લાખથી વધુ લોકોને રોજગારી આપી, જે સમગ્ર બહેરીનની વસતી કરતાં વઘુ છે.
ટોપ 10 માટે કેટલું વેલ્યુ જોઈએ?
ટોચના 10 ઔદ્યોગિક પરિવારોમાં આવવા માટે પારિવારિક લઘુતમ વેલ્યુ 2.2 લાખ કરોડ હોવી જોઈએ, જે ગયા વર્ષ કરતાં 18,700 કરોડ વધુ છે. ટોપ 50માં એન્ટ્રી માટે વેલ્યુ 54,700 કરોડ અને ટોપ 200 માટે 4,600 કરોડ થઈ ગઈ છે. હારૂનની સમગ્ર યાદીમાં સામેલ થવા માટે ઓછામાં ઓછી 1100 કરોડનો બિઝનેસ જરૂરી છે. આ વર્ષે 161 પરિવાર અબજોપતિ બન્યા છે, જે ગયા વર્ષ કરતાં 37 વધુ છે. આ યાદીમાં દેશના 45 શહેરોના ઔદ્યોગિક પરિવારોનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ 48 કંપનીઓ ઈન્ડસ્ટ્રીયલ ઉત્પાદનો બનાવતા સેક્ટરની છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 વર્ષમાં વિદ્યાર્થીઓએ 2300 કરોડની લોન લીધી, 95% અરજી વિદેશમાં અભ્યાસ માટે
ઓટોમાબાઈલ અને ઓટો પાર્ટ્સ બનાવતું સેક્ટર સૌથી આગળ
ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ બનાવતા સેક્ટર વેલ્યુની બાબતમાં સૌથી આગળ છે. આ સેક્ટરની દરેક કંપનીનું સરેરાશ મૂલ્ય 52,320 કરોડ છે. ફાર્મા સેક્ટરમાં 25 કંપનીઓની સરેરાશ વેલ્યુ 41,000 કરોડથી વધુ છે. આ યાદીમાં 74 ટકા કંપનીઓના શેર બજારમાં લિસ્ટેડ છે. 62 કંપનીઓમાં પ્રોફેશનલ સીઈઓ એટલે કે પરિવારથી બહારના લોકો કંપનીનું કામકાજ સંભાળી રહ્યા છે જ્યારે 22 કંપનીઓનું સુકાન મહિલાઓના હાથમાં છે. હલ્દીરામ 85,800 કરોડની વેલ્યુ સાથે સતત બીજા વર્ષે ભારતની સૌથી મોટી અનલિસ્ટેડ કંપની છે.
- રિચ લિસ્ટના 161 પરિવારોની સંપિત્તિ એક અબજ ડોલરથી વધુ
- રિચ લિસ્ટમાં સામેલ 89 ટકા કંપનીઓ મેન્યુફેક્ચરિંગ, જ્યારે 11 ટકા સર્વિસ સેક્ટરમાં કાર્યરત છે.
- 40 ટકા કંપનીઓ ગ્રાહક સેક્ટરમાં, 49 ટકા બીટુબીમાં જ્યારે 11 ટકા કંપનીઓ બંને સેક્ટરમાં કામ કરે છે.
- રિચ લિસ્ટમાં સામેલ ધનકૂબેર પરિવારો 45 શહેરોમાં વસે છે, જેમાં મુંબઈ 91 પરિવારો સાથે ટોચ પર છે. ત્યાર બાદ એનસીઆરમાં 62 અને કોલકાતામાં 25 પરિવારો વસે છે.
- ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ સેક્ટરની 29 કંપનીઓનું સરેરાશ મૂલ્ય 52,320 કરોડ સૌથી વધુ છે
- 22 કંપનીઓનું નેતૃત્વ મહિલાઓના હાથમાં, ગયા વર્ષે 15 કંપનીઓનું સંચાલન મહિલાઓ કરતી હતી.
- વાડિયા પરિવાર 1.58 લાખ કરોડ સાથે રિચ લિસ્ટમાં સૌથી જૂનો ઔદ્યોગિક પરિવાર.
- શેરના ભાવમાં સૌથી વધુ ઊછાળો અનિલ ગુપ્તા પરિવાર (1116 ગણો), બેનૂ બાંગુર પરિવાર (627 ગણો) અને ધર્મપાલ અગ્રવાલ પરિવાર (427 ગણો)માં થયો છે.
- ટોપ-10માં સ્થાન મેળવવા ઓછામાં ઓછા 2.2 લાખ કરોડની વેલ્યુ જરૂરી, જે ગયા વર્ષ કરતાં 18,700 કરોડ વધુ છે.