દિવાળીની ડબલ ગિફ્ટમાં શું મળશે? આ સેગમેન્ટની કાર તથા ટુવ્હીલર થઈ શકે છે સસ્તાં
GST Rate: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ના દરોને રેશનલાઇઝ કરતાં કેન્દ્ર સરકાર પેસેન્જર વાહનો અને ટુવ્હીલર્સ પર ટેક્સ ઘટાડવા વિચારણા કરી રહ્યું છે. જેથી દિવાળી પહેલાં આ વાહનો સસ્તા થવાની અપેક્ષા છે. નાણા મંત્રાલયે તમામ વસ્તુઓ પર જીએસટીના ચાર સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા એમ બે સ્લેબ રાખવાનો પ્રસ્તાવ જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કર્યો છે. હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા, 28 ટકા સ્લેબ લાગુ છે.
સપ્ટેમ્બરમાં મંજૂરી મળવાની અપેક્ષા
વડાપ્રધાન મોદીએ 15મી ઑગસ્ટના રોજ 79મા સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લાથી જાહેરાત કરી હતી કે, લોકોને દિવાળીમાં જીએસટીના દરોમાં ઘટાડાની ભેટ આપીશું. નાણા મંત્રાલયનો આ પ્રસ્તાવ સપ્ટેમ્બરમાં મંજૂર થવાનો આશાવાદ છે. રાજ્યોના નાણા મંત્રીઓની જીએસટી કાઉન્સિલની આગામી બેઠક સપ્ટેમ્બરમાં યોજાવાની છે. હાલ તમામ પેસેન્જર વાહનો પર 28 ટકા જીએસટીની સાથે સાથે એન્જિન ક્ષમતા, લંબાઈ અને બોડીના પ્રકારના આધારે 1થી 22 ટકા સુધી કમ્પેન્સેશન સેસ લાગુ છે. જેનાથી કારની કિંમતમાં 50 ટકા સુધીનો વધારો થાય છે. ઈ-કાર પર 5 ટકા જીએસટી લાગુ છે. જેમાં કોઈ વધારાનો સેસ સામેલ નથી.
વાહનો સસ્તા થશે
જીએસટીના દરોમાં ઘટાડો કરવાથી ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ સસ્તા થશે. ટુ વ્હીલર પર હાલ 28 ટકા જીએસટી લાગુ છે. જેમાં 350 સીસી સુધી એન્જિન ક્ષમતા ધરાવતા મોડલ પર કોઈ સેસ લાગુ નથી. પરંતુ તેનાથી વધુ ક્ષમતા પર 3 ટકા કમ્પેન્સેશન સેશન લાગુ છે. સંશોધિત જીએસટીમાં 12 ટકા અને 28 ટકાનો જીએસટી સ્લેબ દૂર થવાની અપેક્ષા છે. જેથી પેસેન્જર કાર અને ટુ વ્હીલર્સના ભાવોમાં ઘટાડો થશે. જો કે, બીજી બાજુ અમુક હાનિકારક વસ્તુઓ, અને લકઝરી કાર પર જીએસટી વધી 40 ટકા થઈ શકે છે.
વડાપ્રધાને કરી જાહેરાત
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાએથી જાહેરાત કરી હતી કે, ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીએસટીમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે એક યોજનાબદ્ધ જીએસટી સુધારો કરવા જઈ રહ્યા છે. નાગરિકોને આ દિવાળીએ જીએસટીમાં ઘટાડાની ભેટ આપીશું. જેથી લોકોના ખિસ્સા પર બોજો ઘટશે. તેમજ એમએસએમઈ, નાના ઉદ્યોગોને મોટો લાભ મળશે. રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તી થશે અને અર્થવ્યવસ્થાને વેગ મળશે. જીએસટીમાં ઘટાડાથી પેસેન્જર વ્હીકલ અને ટુવ્હીલર્સના પ્રારંભિક મોડલ પર લાભ મળશે.