GST છેતરપિંડી : 7.08 લાખ કરોડ રૂપિયાની કર ચોરી, સરકારે સંસદમાં રજૂ કર્યો પાંચ વર્ષનો ડેટા
GST Fraud : નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આજે (4 ઓગસ્ટ) સંસદમાં રિપોર્ટ આપ્યો છે કે, ‘જીએસટી વિભાગ દ્વારા નાણાંકીય વર્ષ 2024-25 સુધી છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 7.08 લાખ કરોડ રૂપિયાની કર ચોરી પકડી પાડવામાં આવી છે, તેમાં 1.79 લાખ કરોડ રૂપિયાના ખોટા ટેક્સ ક્રેડિટ (ITC) દાવા સામેલ છે.
2024-25માં 2.23 લાખ કરોડની કર ચોરી પકડાઈ
તેમણે એમ પણ કહ્યું કે, નાણાંકીય 2024-25માં 2.23 લાખ કરોડની કર ચોરી પકડવામાં આવી હતી. 2025માં જીએસટી ચોરીના કુલ 30,056 મામલામાંથી 15283 મામલા આઈટીસી છેતરપિંડી સંબંધી હતી, જેમાં 58,772 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી. 2023-24માં ઈનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 36,374 કરોડની છેતરપિંડી સહિત 2.30 લાખ કરોડ રૂપિયાની કર ચોરી પકડાઈ હતી.
2023માં 24,140 કરોડના બનાવટી ITC દાવા પકડાયા
2023માં 24,140 કરોડ રૂપિયાના બનાવટી આઈટીસી દાવા સહિત લગભગ 1.32 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડી પાડવામાં આવી હતી. 2022 અને 2021માં ક્રમશઃ 76,238 કરોડ રૂપિયા અને 49,384 કરોડ રૂપિયાની કર ચોરી કરવામાં આવી છે, જ્યારે તેમાં ક્રમશઃ 28,022 કરોડ રૂપિયા અને 31,233 કરોડ રૂપિયા આઈટીસી છેતરપિંડી સામેલ હતી.
નાણાંકીય વર્ષ 2020-2021થી 2024-2025 સુધીમાં સીજીએસટીના અધિકારીઓએ કુલ 91,370 મામલાઓમાં લગભગ 7.08 કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડી પાડી હતી, જે સ્વૈચ્છિક વસૂલાતથી 1.29 કરોડ રૂપિયા વધુ છે. કર ચોરીના ડેટા મુજબ, નાણાંકીય વર્ષ 2021થી 2025 દરમિયાન આઈટીસી છેતરપિંડી આચરવાના 44,938 મામલાઓમાં લગભગ 1.79 કરોડ રૂપિયાની આઈટીસી છેતરપિંડી સમેલ છે.
ITC છેતરપિંડી ગંભીર નાણાકીય ગુનો
ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડી એ એક ગંભીર નાણાકીય ગુનો છે, જેમાં જીએસટી (GST) સિસ્ટમનો દુરુપયોગ કરીને ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવે છે. આ છેતરપિંડીથી સરકારને મોટા પાયે આવકનું નુકસાન થાય છે અને અર્થતંત્ર પર પણ તેની નકારાત્મક અસર પડે છે. ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો અર્થ છે કે કોઈ વેપારીએ માલ કે સેવા ખરીદતી વખતે જે GST ચૂકવ્યો હોય, તે જ રકમનો ઉપયોગ પોતાનો વેચાણ પરનો GST ચૂકવતી વખતે ક્રેડિટ તરીકે કરી શકે છે. ITC છેતરપિંડીમાં, ગુનેગારો નકલી બિલ અથવા ખોટા દસ્તાવેજો બનાવીને બતાવે છે કે તેમણે કોઈ વસ્તુ ખરીદી છે, જ્યારે વાસ્તવમાં કોઈ ખરીદી થઈ હોતી નથી. આ નકલી બિલના આધારે, તેઓ ખોટી ITC ક્લેમ કરીને સરકાર પાસેથી ટેક્સ રિફંડ મેળવે છે અથવા પોતાનો ટેક્સ ઘટાડે છે.
આ પણ વાંચો : ....તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર પેઠો