Business

ઓક્ટોબરમાં GST કલેક્શનમાં 22.9%નો ઉછાળો, સરકારની તિજોરીમાં 2.31 લાખ કરોડ રૂપિયાથી છલકાઇ

By GS Team
1 Nov 20262 mins read
TukuTouch Logo
ભારતમાં ઓક્ટોબર 2026માં GST કલેક્શન 22.9% વધીને 2,31,290 કરોડ રૂપિયા થયું છે. નાણાં મંત્રાલયના આંકડા મુજબ, સ્થાનિક આવકમાં 15.8% અને આયાતમાંથી 42.2%નો વધારો નોંધાયો છે. રિફંડ બાદ નેટ કલેક્શન 25.6% વધીને 2,03,356 કરોડ રૂપિયા થયું. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં કુલ GST કલેક્શન 14.77 લાખ કરોડ રૂપિયા થયું છે, જે 13.2%નો વધારો દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓક્ટોબરમાં GST કલેક્શનમાં 22.9%નો ઉછાળો, સરકારની તિજોરીમાં 2.31 લાખ કરોડ રૂપિયાથી છલકાઇ

India GST Revenue Growth : ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબર 2026માં ગ્રોસ GST કલેક્શન વાર્ષિક ધોરણે 22.9 ટકા વધીને 2,31,290 કરોડ રૂપિયા થયું છે. ઓક્ટોબર 2025માં આ આંકડો 1,88,125 કરોડ રૂપિયા હતો. આમ, ગયા વર્ષની સરખામણીમાં આ વખતે 43,165 કરોડ રૂપિયાની વધુ આવક થઈ છે. નાણાં મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, સ્થાનિક આવક અને આયાતમાંથી મળેલી આવકમાં થયેલો વધારો GST કલેક્શન વધવાનું મુખ્ય કારણ છે.

સ્થાનિક આવકમાં 15.8%નો વધારો

ઓક્ટોબર 2026માં સ્થાનિક વ્યવહારોમાંથી મળેલી ગ્રોસ GST આવક વાર્ષિક ધોરણે 15.8 ટકા વધીને 1,59,044 કરોડ રૂપિયા થઈ છે. ઓક્ટોબર 2025માં આ આવક 1,37,328 કરોડ રૂપિયા હતી. બીજી તરફ, આયાતમાંથી મળેલી GST આવકમાં 42.2 ટકાનો મોટો વધારો નોંધાયો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આયાતમાંથી 50,796 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જે આ વર્ષે વધીને 72,246 કરોડ રૂપિયા થઈ છે. ઇન્ટિગ્રેટેડ GST (IGST)માં સ્થાનિક વ્યવહારોમાંથી 64,769 કરોડ રૂપિયા અને આયાતમાંથી 72,246 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

image.png

GST રિફંડમાં પણ વધારો

ઓક્ટોબર 2026 દરમિયાન કુલ GST રિફંડ વાર્ષિક ધોરણે 6.5 ટકા વધીને 27,934 કરોડ રૂપિયા થયું છે. ઓક્ટોબર 2025માં 26,225 કરોડ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું. આ વખતે કુલ રિફંડમાં સ્થાનિક વ્યવહારોના 14,007 કરોડ રૂપિયા અને આયાત તથા ICEGATE નિકાસ સંબંધિત 13,927 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. રિફંડની રકમ બાદ કરતાં ઓક્ટોબર 2026નું નેટ GST કલેક્શન 25.6 ટકા વધીને 2,03,356 કરોડ રૂપિયા થયું છે. ગયા વર્ષે સમાન મહિનામાં નેટ GST આવક 1,61,900 કરોડ રૂપિયા હતી.

એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં 14.77 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન

ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલથી ઓક્ટોબર સુધીના સાત મહિનામાં કુલ ગ્રોસ GST કલેક્શન 14,77,569 કરોડ રૂપિયા થયું છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 13,05,213 કરોડ રૂપિયા હતો. આમ, વાર્ષિક ધોરણે તેમાં 13.2 ટકાનો વધારો નોંધાયો છે. આ સાત મહિનામાં કુલ નેટ GST આવક 12,69,486 કરોડ રૂપિયા રહી છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની 11,27,355 કરોડ રૂપિયાની આવક કરતાં 12.6 ટકા વધુ છે. એપ્રિલથી ઓક્ટોબર 2026 દરમિયાન કુલ સેન્ટ્રલ GST (CGST) કલેક્શન 2,85,858 કરોડ રૂપિયા, સ્ટેટ GST (SGST) કલેક્શન 3,42,491 કરોડ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ GST (IGST) કલેક્શન 8,49,220 કરોડ રૂપિયા રહ્યું છે.