For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંગતેલ સૌરાષ્ટ્ર પાછળ ઉંચકાયું : આયાતી ખાદ્યતેલોમાં સાર્વત્રિક ઘટાડો

- વિવિધ ખોળની કુલ નિકાસ ચાર મહિનામાં ૩૫ ટકા વધી

- એરંડા તથા દિવેલમાં આગળ વધતી તેજીઃ રાયડા ખોળમાં દરિયાપારની માગ વધતાં નિકાસમાં ૭૭ ટકાની વૃદ્ધી નોંધાઈ

Updated: Aug 17th, 2022

સિંગતેલ સૌરાષ્ટ્ર પાછળ ઉંચકાયું  : આયાતી   ખાદ્યતેલોમાં  સાર્વત્રિક ઘટાડો

મુંબઇ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં  સામસામા રાહ  જોવા મળ્યા હતા.   સિંગતેલના  હાજર ભાવ  ૧૦ કિલોના  વધી  રૂ.૧૬૭૦  રહ્યા હતા.  જો કે કપાસિયા  તેલના ભાવ  રૂ.૧૫૦૦ના મથાળે  શાંત હતા.   સૌરાષ્ટ્ર   ખાતે સિંગતેલના ભવા વધી  રૂ.૧૬૫૦ તથા ૧૫ કિલોના  રૂ.૨૬૦૦ રહ્યા હતા ત્યાં કોટન  વોશ્ડ  પણ વધી  રૂ.૧૪૩૦થી  ૧૪૩૫ રહ્યું  હતું.

વિશ્વ બજારમાં  મલેશિયા પામતેલ વાયદો આજે  ૧૮ પોઈન્ટ  પ્લસમાં  રહ્યો હતો જ્યારે   અમેરિકામાં  સોયાતેલના  ભાવ ઓવરનાઈટ  ૧૧૦ પોઈન્ટ તૂટયા   પછી આજે પ્રોજેકશનમાં  ૨૫ પોઈન્ટ  ઉંચકાયાના નિર્દેશો  હતા. મુંબઈ  બજારમાં  આયાતી પામતેલના  ભાવ  જો કે ઘટી રૂ.૧૨૩૫ રહ્યા હતા.   વિવિધ રિફાઈનરીઓએ પામતેલના   ભાવ ઘટાડયાના  નિર્દેશો હતા.  બજારમાં હાજર માલની  અછત દૂર થઈ  હવે  હાજર માલની  છૂટ દેખાતી  થઈ હોવાનું  બજારના  જાણકારોએ  જણાવ્યું હતું.

પામતેલમાં આજે નવી માગ ધીમી હતી તથા વેપારો  છૂટાછવાયા હતા.  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ  કંડલાના ભાવ  ઘટી  રૂ.૧૧૩૦ રહ્યા હતા.   મુંબઈ સનફલાવરના  ભાવ ઘટી ૧૪૯૦ તથા રિફાઈન્ડના  રૂ.૧૫૬૦ રહ્યા  હતા. સોયાતેલના  ભાવ  ઘટી ડિગમના    રૂ.૧૨૩૦થી  ૧૨૩૫  તથા રિફાઈન્ડના  રૂ.૧૨૬૦થી ૧૨૬૫   બોલાતા થયા હતા.  મસ્ટર્ડના  ભાવ શાંત  હતા.

દિવેલ તથા  એરંડાના ભાવમાં તેજી  આગળ વધી હતી.    દિવેલના  હાજર ભાવ   આજે વધુ  રૂ.૧૭થી ૧૮  ઉછળ્યા હતા.   જ્યારે હાજર એરંડાના  ભાવ  કિવ.ના વધુ  રૂ.૯૦ ઉંચકાયા હતા. એરંડા  વાયદા બજારમાં    આજે ટનના ભાવ   એરંડા ખોળના રૂ.૫૦૦થી ૬૦૦ ઉછળ્યા બતા.   જ્યારે સોયાખોળના  ભાવ  રૂ.૭૫૦થી ૮૦૦ તૂટયા હતા.   જો કે  અન્ય ખોળો શાંત  હતા.

દરમિયાન,   ભારતમાંથી   વિવિધ ખોળોની કુલ નિકાસ   એપ્રિલથી જુલાઈના  ચાર મહિનાના ગાળામાં  આશરે ૩૫  ટકા વધ્યાનું    સોલવન્ટ  એક્સ્ટ્રેકટર્સ  એસોસિયેશને જણાવ્યું  હતું.  રાયડા ખોળની નિકાસ ઝડપી ૭૭ ટકા  વધી છે.  હઝીરા ખાતે   સોયાતેલના ભાવ  ૩૦ ઓગસ્ટ સુધીની   ડિલીવરીમાં   રૂ.૧૨૪૦   રહ્યા હતા.    મસ્ટર્ડની આવકો રાજસ્થાનમાં  ૯૦ હજાર ગુણી  તથા ઓલ ઈન્ડિયા  ૨ લાખ પાંચ હજાર  ગુણી આવી   હતી.   રાજસ્થાનમાં ભાવ  રૂ.૬૯૫૦થી  ૬૯૭૫   બોલાઈ  રહ્યા હતા.   

સોયાબીનની  આવકો મધ્ય-પ્રદેશમાં  ૮૫ હજાર ગુણી  તથા મહારાષ્ટ્રમાં  ૭૦ હજાર  ગુણી આવી હતી.   તથા ઓલ ઈન્ડિયા   આવકો ૧ લાખ ૭૦  હજાર ગુણી  આવી  હતી. અમેરિકામાં  ઓવરનાઈટ  ટ્રેડમાં  કોટનના ભાવ ઉછળ્યા હતા  જ્યારે સોયાબીનના ભાવ તૂટયા હતા ત્યાં સોયાખોળના ભાવ પણ  ઓવરનાઈટ ગબડયાના સમાચાર  હતા.


Gujarat