વૈશ્વિક બિઝનેસને વેગ આપવા માટે હવે સરકાર ભારતીય કંપનીઓને મદદ કરશે

નવી દિલ્હી : વાણિજ્ય અને મહેસૂલ વિભાગ દેશમાં ઈ-કોમર્સ નિકાસ હબના સંચાલનને સક્ષમ કરવા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી સાથે મળીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર તૈયાર કરી રહ્યું છે.
એક અંદાજ મુજબ, વૈશ્વિક ઈ-કોમર્સ નિકાસ ૨૦૩૦માં ૨,૦૦૦ બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે, જે હાલમાં ૮૦૦ બિલિયન ડોલર છે. આ માધ્યમથી ભારતની નિકાસ માત્ર પાંચ અબજ યુએસ ડોલર એટલે કે ચીનની વાર્ષિક ૨૫૦ અબજ યુએસ ડોલર (રૂ. ૨૨ લાખ કરોડ)ની નિકાસની સરખામણીમાં લગભગ રૂ. ૪૩ હજાર કરોડ છે.
ઈ-કોમર્સ નિકાસમાં અગ્રેસર ચીન, ઈ-કોમર્સ માટે નિકાસ કેન્દ્રોમાં પણ અગ્રેસર છે. આ કારણે ચીનની નિકાસ ૨૦૨૩માં તેની કુલ વેપારી નિકાસના ૬.૪ ટકા છે. વિદેશી વેપાર નીતિ-૨૦૨૩માં ઈ-કોમર્સ નિકાસ કેન્દ્રો સ્થાપવાનો ઈરાદો અને રૂપરેખા સ્પષ્ટ કરવામાં આવી છે.
સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે વાણિજ્ય મંત્રાલયે ઈ-કોમર્સ નિકાસ હબના સંચાલનને સક્ષમ કરવા કેન્દ્રો સ્થાપવા માટે ડીએચએલ, લેકશિપ, ગોગ્લોકલ, શિપરોકેટ અને કાર્ગો સર્વિસ સેન્ટરની પાંચ અરજીઓને મંજૂરી આપી દીધી છે. ડીએચએલને બેંગલુરુનું કામ સોંપવામાં આવ્યું છે, જ્યારે ગોગ્લોકલનું સેન્ટર મુંબઈમાં સ્થપાશે. દિલ્હી એરપોર્ટ અને તેની આસપાસ શિપરોકેટ અને કાર્ગો સર્વિસ સેન્ટર બનાવવામાં આવશે.
મહેસૂલ વિભાગ આ કેન્દ્રો માટે જરૂરી તમામ સુવિધાઓ અને માલની સુરક્ષા મંજૂરી કેવી રીતે કરવી તે જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યું છે. આ તમામ મુદ્દાઓ પર એસઓપી તૈયાર કરાશે. તેને ફાઇનલ કર્યા બાદ તેઓ કામગીરી શરૂ કરશે.
ઈ-કોમર્સ નિકાસ કેન્દ્રોમાં ઝડપી સરહદ અને સુરક્ષા મંજૂરીની સુવિધા હશે. તેમની અંદર ગુણવત્તા અને પ્રમાણપત્ર એજન્સીઓ માટે પણ જોગવાઈ હશે. ઈ-કોમર્સ કન્સાઈનમેન્ટ્સ અને રિજેક્ટેડ આઈટમ્સ ઈમ્પોર્ટ ડયૂટી ચૂકવ્યા વિના પરત કરવા માટે એક સરળ રી-ઈમ્પોર્ટ પોલિસી પણ હશે. આ પગલું પણ મહત્વનું છે.




