મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉંચકાયા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. જોકે ઘરઆંગણે આજે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં ઝવેરી બજારમાં ભાવ વૃદ્ધી તેટલા પ્રમાણમાં સિમિત રહી હોવાનું બજારના સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૨૧૯થી ૪૨૨૦ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૪૩૪૭ થઆ ૪૩૩૫થી ૪૩૩૬ ડોલર રહ્યા હતા.
ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિના સંકેતો વચ્ચે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાના સમાચાર હતા. યુદ્ધમાં શાંતિની આશા વચ્ચે વૈશ્વિક ડોલરમાં સેફહેવન સ્વરૂપની લેવાલી ઘટયાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંસના ૬૮.૦૩થી વધી ઉંચામાં ભાવ ૭૧.૦૪ થઈ ૭૦.૭૫થી ૭૦.૭૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ઈરાન યુદ્ધમાં શાંતિની આશા વચ્ચે હવ ે હોર્મુઝ દરિયાઈ માર્ગ ફરી શરૂ થવાની આશા વચ્ચે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં પાંચ ટકાનો કડાકો બોલાયો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૮૨.૫૨ ડોલર થઈ ૮૩.૦૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૯.૭૦ થઈ ૮૦.૩૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૫૦૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૩૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૦૦૪૩ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૬૪૬ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦૦ વધી રૂ.૨૫૧૪૮૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૭૨૦ વાળા વધી ૧૮૦૧ થઈ ૧૭૯૫થી ૧૭૯૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૮૫ વાળા વધી ૧૩૫૯ થઈ ૧૩૪૮થી ૧૩૪૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૦૨ ટકા વધ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે ઝવેરી બજારોમાં મોનસૂનની પ્રગતિ તથા કરન્સી બજારની ઉછળકૂદ પર નજર રહી હતી.
ભારતમાં વેપાર ખાધ ઘટયાના સમાચાર આવ્યા હતા. ક્રૂડતેલમાં યુદ્ધના માહોલમાં તાજેતરમાં ભાવમાં વોરના પ્રીમિયમો વધ્યા હતા તે હવે ઘટયાના નિર્દેશો હતા. હોર્મુઝ રુટ હવે ૩૦ દિવસમાં રાબેતા મુજબ થવાની આશા જાણકારો બતાવતા હતા. ક્રૂડની પીછેહટ વચ્ચે વિશ્વના કરન્સી બજારો પર તેની ઈમ્પેકટ જોવા મળી હતી. હવે અમેરિકામાં ફેડરલ રિઝર્વની મંગળવાર તથા બુધવારની મિટિંગ પર બજારની નજર રહી હતી.


