Business

સોનામાં આગેકૂચ: ચાંદી ફરી ઘટી: આયાતી કિંમતી ધાતુઓની ટેરીફ વેલ્યુમાં ઘટાડો

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત અમદાવાદ ઝવેરીબજારમાં બંધ બજારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ૧૦ ગ્રામ સોનાના ભાવમાં રૂ. ૫૦૦નો વધારો થયો હતો. સરકારે આયાતકારો માટે કસ્ટમ એક્સચેન્જના ડોલરના ભાવ રૂ. ૯૫.૨૫થી વધારી રૂ. ૯૬.૮૦ કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનામાં આગેકૂચ: ચાંદી ફરી ઘટી: આયાતી કિંમતી ધાતુઓની ટેરીફ વેલ્યુમાં ઘટાડો

બંધબજારે ડોલરના ભાવ વધી રૂ.૯૬ કૂદાવી ગયા : ક્રૂડમાં બેતરફી વધઘટ
વૈશ્વિક ડોલરમાં ત્રણ મહિનાનું શ્રેષ્ઠ સપ્તાહ
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજારમાં હવામાન મિશ્ર હતું. દરમિયાન, ક્રૂડતેલના ભાવમાં વિશ્વબજારમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. સાઉદી અરેબીયાએ ઓક્ટોબરમાં યુરોપ ખાતે ક્રૂડની નિકાસ રુંધાશે એવા નિર્દેશો યુરોપને આપ્યાના સમાચાર મળ્યા હતા.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૩૭૩થી ૪૩૭૪ વાળા વધી છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૪૩૭૮થી ૪૩૭૯ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૫૩૬૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૪૧૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૩૬૯૦૮ વાળા ઘટી રૂ.૨૩૬૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૦.૫૬ રહ્યા પછી ઘટી નીચામાં ૧૦૦.૧૭ થઈ છેલ્લે ૧૦૦.૨૨ રહ્યો હતો. અમેરિકામાં વ્યાજ દર વધારાતાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાયો હતો પરંતુ ત્યારબાદ ઉછાળો ઉભરા જેવો નિવડયો હતો.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૭૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૮૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૬૬.૮૭થી ૬૬.૮૮ વાળા ઘટી છેલ્લે ૬૬.૨૫થી ૬૬.૨૬ ડોલરના ભાવ રહ્યા હતા.
દરમિયાન, ભારતમાં સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૯૫.૨૫થી વધારી રૂ.૯૬.૮૦ કર્યાના સમાચાર હતા. જોકે સોનાની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુ સરકારે ઘટાડી હોવાના સમાચાર પણ મળ્યા હતા. ચાંદીની આવી ટેરીફ વેલ્યુ પણ ઘટાડવામાં આવ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. સોનાની ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં ૧૪૬૮થી ઘટી ૧૩૭૩ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીની ટેરીફ વેલ્યુ કિલોના ડોલરના સંદર્ભમાં ૨૨૬૭ વાળા ઘટી હવે ૨૦૨૮ ડોલર થઈ છે. ઈમ્પોર્ટરો માટે ડોલરના ભાવ વધ્યા છે.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૧૦૩.૨૧થી વધી ૧૦૫ ડોલર થઈ છેલ્લે ભાવ ૧૦૩.૮૭ ડોલર રહ્યા હતા. આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૯૫.૮૮ વાળા વધી રૂ.૯૬.૦૨થી ૯૬.૦૩ બોલાતા થયા હતા. દરમિયાન, પ્લેટીનમના વૈશ્વિક ભાવ ૧૮૦૩ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીનના ભાવ ૧૩૦૩ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ છેલ્લે ૦.૪૫ ટકા ઉંચા રહ્યા હતા.