Global Markets on Edge After US Strikes Venezuela : વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર ધરાવતા દેશ વેનેઝુએલા પર અમેરિકાએ હુમલો કર્યો છે. જેના કારણે આવતીકાલથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં તણાવ જોવા મળી શકે છે.
વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર ધરાવતા દેશ પર હુમલો
શુક્રવારે મોડી રાતે અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા. ત્યાંના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરવામાં આવ્યા. જે બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે કે વેનેઝુએલા પર હવે અમેરિકાનો કબજો છે અને હવે જ્યાં સુધી પરિસ્થિતિ સ્થિર ન થઈ જાય ત્યાં સુધી અમેરિકા જ વેનેઝુએલાને ચલાવશે.
સોના-ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે તેવી શક્યતા!
આ ઘટનાક્રમ બાદ હવે ઓઈલની કિંમતો વધવાની આશંકા છે. ગેસને સેક્ટરમાં પણ હલચલ જોવા મળી શકે છે. એવામાં રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળશે. જેના કારણે મોટા ભાગના લોકોનું ધ્યાન હવે સોના અને ચાંદી પર છે. 2025ના અંત અને 2026ની શરૂઆતમાં સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાંદીની કિંમત પણ સતત વધી રહી છે. ચાંદીની સપ્લાયમાં અછત અને ફેક્ટરીઓમાં ચાંદીની માંગ વધવાના કારણે કિંમતો પણ વધી રહી છે. એવામાં વિશ્લેષકોનું માનવું છે કે જો સોનાની કિંમત એક નિશ્ચિત સ્તર પર રહી તો તેમાં વધારો જોવા મળી શકે છે. પણ તે નિશ્ચિત સ્તર તૂટ્યું તો કિંમતોમાં કડાકો પણ જોવા મળી શકે છે.
આટલું જ નહીં તાંબું અને એલ્યુમિનિયમ પણ મોંઘું થઈ રહ્યું છે. તાંબાની કિંમતો રેકોર્ડબ્રેક ઊંચાઈ પર છે. એલ્યુમિનિયમનો ભાવ 2022 બાદ પહેલીવાર ત્રણ હજાર ડોલર પ્રતિ ટનને પાર જતો રહ્યો છે.


