સોનું ઝડપી ઉંચકાયું : ચાંદી ઉછળી: ક્રૂડમાં બેતરફી વધઘટ જોવા મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક સોનાના ભાવ વધી ૪૪૦૦ ડોલરને આંબી ગયા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ભાવ ફરી ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી હતી. દરમિયાન, ભારત સરકારે ઈંમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એકસચેન્જના દર વધાર્યાના સમાચાર હતા તથા તેના પગલે દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈફેકટીવ ઈંમ્પોર્ટ ડયુટીમાં પણ વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
સરકારે ઈમ્પોર્ટરો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર ૯૫.૨૫થી વધારી રૂ.૯૬.૮૦ કર્યાના સમાચાર હતા. આ નવા દર ૧૮મી સપ્ટેમ્બરથી અમલમાં આવે એ રીતે સરકારે નક્કી કર્યા હોવાનંા બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ફરી વધી ઉંચામાં ઔંસના ૪૪૦૦ ડોલરને આંબી ગયાના સમાચાર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૩૪૨ વાળા વધી ૪૪૦૦ થઈ ૪૩૭૩થી ૪૩૭૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૬૬.૨૦થી ૬૬.૨૧ વાળા વધી ૬૭.૩૩ ડોલર થઈ ૬૬.૮૭થી ૬૬.૮૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટયા મથાળે આજે બેતરફી વધઘટ દેખાઈ હતી. સાઉદી અરેબિયાથી ક્રૂડતેલની રવાનગી વિશ્વ બજારમાં વધી રહ્યાના સમાચાર હતા. જો કે સાઉદીએ યુરોપમાં ઓકટોબરમાં નિકાસ ઘટશે એવું જણાવતાં વિશ્વ બજારમાં ચર્ચા જન્મી હતી.
વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૧૦૧.૯૨ ડોલર તથા ઉંચામાં ભાવ ૧૦૪.૨૭ ડોલર થઈ ૧૦૭.૨૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૯.૩૯ તથા ઉંચામાં ૧૦૧.૬૬ થઈ ૧૦૧.૩૨ ડોલર રહ્યા હતા. જાપાનના જણાવ્યા મુજબ ત્યાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યો છે તથા ત્યાં નવેમ્બર સુધી ક્રૂડના પુરવઠા વિશે ચિંતા ટળી હોવાનું જાપાનની બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૭૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૮૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૯૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૩૧૧૧ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૩૭૨૭ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૮૮ વાળા વધી ૧૮૨૪ થઈ ૧૮૧૬થી ૧૮૧૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૯૧ વાળા વધી ૧૩૩૬ થઈ ૧૩૩૨થી ૧૩૩૩ ડોલર રહ્યા હતા.




