મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઘટતા અટકી આંચકા પચાવી ફરી ઝડપી ઉછળતાં જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં નવેસરથી તેજી બતાવતા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી હતી. જોકે મુંબઈ કરન્સી બજારમાં ડોલર તૂટતાં તથા રૂપિયો ઉછળતાં ઝવેરી બજારમાં પ્રત્યાઘાતી તેજી તેટલા પ્રમાણમાં મર્યાદિત રહી હતી.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૪૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૫૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦ હજાર ઉછળી રૂ.૨૭૦૦૦૦ બોલાતા થયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૭૫૯થી ૪૭૬૦ ડોલરથી ઉછળી ઉંચામાં ભાવ ૪૯૪૮ થઈ ૪૯૨૯થી ૪૯૩૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચંદીના ભાવ પણ ઔંસના ૮૩.૧૫ વાળા વધી ૮૭.૯૫ ડોલર થઈ ૮૭.૨૦થી ૮૭.૨૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૪૩ ડોલર રહ્યા હતા જ્યારરે પેલેડીયમના ભાવ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૫૦૯૨૨ તથા ૯૯૯ના રૂ.૧૫૧૫૨૯ રહ્યા હતા મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૨૬૩૯૬૫ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪થી ૫ હજાર વધી રૂ.૭૦૧૨૪ છેલ્લે રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ આંચકા પચાવી આજે ફરી ૩.૩૬ ટકા વધી આવ્યા હતા.
વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ ઘટયા પછી વધી આવ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૫.૭૮ વાળા વધી ૬૬.૬૪ થઈ ૬૬.૪૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૧.૮૦ વાળા વધી ૬૨.૪૬ થઈ ૬૨.૩૮ ડોલર રહ્યા હતા. હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે થનારી વાતચીત પર બજારની નજર રહી હતી.
અમેરિકા એવો દાવો કરે છે કે ભારત હવે રશિયાથી ક્રૂડતેલની ઈમ્પોર્ટ બંધ કરી દેવાનું છે. જો કે ક્રૂડતેલ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભારતના ઘણા આયાતકારોએ રશિયાના ઓઈલના કાર્ગો આ પૂર્વે બુક કરી દીધા છે તથા આ કાર્ગો ત્યાંના પોર્ટ પર પ્રોસેસિંગમાં તથા લોડિંગમાં હોતાં આ રશિયાના ઓઈલના કાર્ગો ભારતમાં માર્ચ તથા એપ્રિલ સુધી આવવાના છે. આ જોતાં ભારતમાં રશિયાથી ઓઈલની આયાત તાત્કાલિક બંધ થઈ જવાની શક્યતા હાલ તુરંત જણાતી નથી, એવું જાણકારોએ જણાવ્યું હતું.


