- ભારતમાં ગોલ્ડ-સિલ્વરની આયાત હવે 'પ્રતિબંધિત' કેટેગરીમાં
- સોનાની આયાતમાં આ તીવ્ર વધારાને કારણે દેશની વેપાર ખાધ 310.60 અબજ ડોલરે પહોંચી
અમદાવાદ : વિક્રમી ઊંચા ભાવ હોવા છતાં, સોના અને ચાંદીની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૫-૨૬ નાણાકીય વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં સોના અને ચાંદીની આયાતમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે દેશની વેપાર ખાધ પર દબાણ આવ્યું છે.
વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, એપ્રિલ અને ફેબ્રુઆરી ૨૦૨૫-૨૬ દરમિયાન ભારતની સોનાની આયાત આશરે ૨૮.૭૩ ટકા વધીને ૬૯ અબજ ડોલર થઈ છે, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૫૩.૫૨ અબજ ડોલર હતી. સોનાની આયાતમાં આ તીવ્ર વધારાને કારણે દેશની વેપાર ખાધ ૩૧૦.૬૦ અબજ ડોલરે પહોંચી ગઈ છે. એક વર્ષ અગાઉ વેપાર ખાધ ૨૬૧.૮૦ અબજ ડોલર હતી.
બીજી તરફ, ચાંદીની આયાતમાં પણ બમ્પર ૧૫૦ ટકા આસપાસનો વધારો નોંધાયો છે. એપ્રિલથી ફેબુ્રઆરી, ૨૦૨૬ના સમયગાળા દરમિયાન ચાંદીની આયાત ૧૪૨.૮૭ ટકા વધીને ૧૧.૪૩ અબજ ડોલર થઈ ગઈ છે. ચાંદીનો ઉપયોગ ફક્ત ઘરેણાંમાં જ નહીં પરંતુ ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં પણ વ્યાપકપણે થાય છે, જેનાથી તેની માંગ જળવાઈ રહે છે.
ભારતની સોનાની આયાતમાં સ્વિટ્ઝર્લેન્ડનો હિસ્સો સૌથી મોટો ૪૦ ટકા આસપાસ છે. ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (૧૬ ટકા) અને દક્ષિણ આફ્રિકા (આશરે ૧૦ ટકા) આસપાસ છે. નોંધનીય છે કે ભારત ચીન બાદ વિશ્વનો બીજો સૌથી મોટો સોનાનો ગ્રાહક દેશ છે અને આયાતનો નોંધપાત્ર હિસ્સો ઘરેણાં ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે જ થાય છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર વધતી જતી વેપાર ખાધને કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ વધીને ૧૩.૨ અબજ ડોલર, જીડીપીના ૧.૩ ટકા થઈ ગઈ છે. જોકે, એપ્રિલ-ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન, કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ઘટીને ૩૦.૧ અબજ ડોલર (જીડીપીના ૧ ટકા) થઈ ગયું, જે એક વર્ષ પહેલા ૩૬.૬ અબજ ડોલર હતું.
સોના-ચાંદી અને પ્લેટિનમની આયાત પ્રતિબંધિત
આયાતને નિયંત્રિત કરવા માટે, સરકારે તાજેતરમાં સોના, ચાંદી અને પ્લેટિનમ વસ્તુઓની આયાત પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. સૌથી મોટી જાહેરાત સરકારે ગઈકાલે કરી છે જેમાં સોના-ચાંદી અને પ્લેટિનમની આયાતને પ્રતિબંધિત કેટેગરીમાં મુકવામાં આવી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે કસ્ટમ્સ ટેરિફ હેડિંગ ૭૧૧૩ હેઠળ - આ આયાતોને 'મુક્ત' શ્રેણીમાંથી 'પ્રતિબંધિત'માં ખસેડી છે. આમ સરળ આયાત અટકશે અને હવે કાગળકામ, રેગ્યુલેટરીઓ મંજૂરીઓ અને સરકારી મંજૂરી હેઠળ આયાત શક્ય બનશે. આમ હવે મોંઘી મેટલ દેશમાં કંઈ પણ પ્રવેશતા પહેલા તમારે પૂર્વ પરવાનગી અથવા ચોક્કસ લાયસન્સની જરૂર છે.
સૌથી મહત્વનું કે કોઈ અપવાદ વિના આ નિયમ તરત જ લાગુ થઈ ગયો છે. અગાઉ થઈ ગયેલા સોદા, પેમેન્ટ થઈ ચૂકેલા સોદા અથવા રસ્તામાં રહેલા શિપમેન્ટ તમામ પર આ નવા નિયમ લાગુ પડશે. જોકે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત બિઝનેસોને, ૧૦૦ ટકા નિકાસલક્ષી એકમો અને સરકાર અધિકૃત નિકાસ સ્કીમો સાથે જોડાયેલી આયાતને પણ પ્રતિબંધો વિના ચાલુ રાખવાની મંજૂરી રહેશે.


