Get The App

સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો

- ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનું તૂટી ૫૧૦૦ ડોલરની અંદર : પ્લેટીનમમાં પણ ૪૦૦૦નું ગાબડું

- ક્રૂડતેલના ભાવ બેરલના ઉંચામાં ૧૦૩ ડોલર નજીક પહોંચ્યા પછી તૂટી ૯૮ ડોલર: અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૩૮ લાખ બેરલ્સ વધ્યો

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ ઝડપી ઘટાડો નોંધાયો હતો. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઊતરતાં ઝવેરી બજારોમાં નવી માગના અભાવે માનસ વેંચવાનું રહ્યું હતું. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના  રૂ.૫૦૦૦ તૂટયા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૫૧૭૦થી ૫૧૭૧ વાળા ઘટી નીચામાં ભાવ ૫૦૬૧ થઈ ૫૧૦૮થી ૫૧૦૯ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ૧૦૦ની સપાટી કુદાવી જતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ઉંચા મથાળે ફંડોની વેચવાલી નિકળી હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૮૬.૯૭ વાળા તબટી નીચામાં ભાવ ૮૧.૬૫ થઈ ૮૪.૦૦થી ૮૪.૦૧ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ તૂટી ૯૯૫ના રૂ.૧૬૩૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૪૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ આજે ગબડયા હતા.

પ્લેટીનમના ભાવ ઔંસના ૨૧૭૩ વાળા નીચામાં ૨૦૫૯ થઈ ૨૦૯૦થી ૨૦૯૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૬૬૬ વાળા નીચામાં ૧૫૯૩ થઈ ૧૬૦૯થી ૧૬૧૦ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૯ ટકા માઈનસમાં રહ્યા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૫૫૦૦ ગબડયા હતા. પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટયા હતા. મુંબઈ સોનાના ભાવ આજે ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૭૭૬૫ તથા ૯૯૯ના રૂ.૧૫૮૩૯૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ગબડી જીએસટી વગર રૂ.૨૬૦૪૮૮ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ પ્લેટીનમના ભાવ તૂટી રૂ.૬૪૩૩૨ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઝડપી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૦૨.૭૫ થયા પછી તૂટી ૯૮.૧૭ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૮.૦૯ થઈ ૯૩.૦૧ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૩૮ લાખ બેરલ્સ વધ્યાના વાવડ હતા.