Business

સોનામાં રૂ.૨૦૦૦ તથા ચાંદીમાં રૂ.૩૦૦૦ તૂટયા: ક્રૂડ ફરી વધી ૯૬ ડોલર પાર

By GS Team
6 Sep 20263 mins read
TukuTouch Logo
યુએસમાં જોબગ્રોથ વધતા વૈશ્વિક સોનું તૂટ્યું, ડોલર ઈન્ડેક્સ ઉંચકાયો. મુંબઈ ઝવેરીબજારમાં બંધ બજારે સોનામાં રૂ. 2000 અને ચાંદીમાં રૂ. 3000નો ઘટાડો નોંધાયો. અમદાવાદમાં પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા. જોકે, ફોરેક્સ રિઝર્વમાં રેકોર્ડ વૃદ્ધિથી રૂપિયામાં મક્કમતા જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનામાં રૂ.૨૦૦૦ તથા ચાંદીમાં રૂ.૩૦૦૦ તૂટયા: ક્રૂડ ફરી વધી ૯૬ ડોલર પાર

યુએસમાં જોબગ્રોથ વધતાં વૈશ્વિક સોનામાં ઝડપી ઘટાડો
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાયો: જોકે ઘરઆંગણે ફોરેક્સ રિઝર્વમાં રેકોર્ડ વૃધ્ધિ વચ્ચે કરન્સીમાં બંધ બજારે રૂપિયામાં મક્કમતા જોવા મળી
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ ઘટતા જોવા મળ્યા હતા. અમેરિકામાં જોબગ્રોથના આંકડા અપેક્ષાથી ઉંચા આવતા ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં વૃધ્ધિ થવાની શક્યતા વધતાં વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનાના ભાવમાં ઝડપી પીછેહટ દેખાઈ હતી તથા સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરીબજારોમાં આજે વેચનારા વધુ તથા લેનારા ઓછા જોવા મળ્યા હતા.

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૭૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૩૦૦૦ તૂટી રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૪૮૬થી ૪૪૮૭ વાળા ગબડી છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૪૨૯થી ૪૪૩૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન, ક્રૂડતેલના ભાવ વિશ્વબજારમાં ફરી ઉંચા જતા જોવા મળ્યા હતા. ભાવ વધી બેરલના ૯૬ ડોલર ઉપર ગયા હતા. ઈરાન- અમેરિકા વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા વચ્ચે ફંડો ક્રૂતેલમાં તેજીના સોદા વધારી રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૨૩૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૯૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૦૦૦ ઘટી રૂ.૨૩૨૫૦૦ બોલાતા થયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધી ઉંચામાં ૯૯.૩૯ થઈ ૯૯.૧૬ રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં આગળ ઉપર ૧૫ તથ ૧૬ સપ્ટેમ્બર મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં હવે વ્યાજના દરમાં કેવા ફેરફારો કરવામાં આવે છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી હતી.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૪.૪૯થી ૯૪.૫૦ આસપાસ અથડાતા રહ્યા હતા. વિશ્વબજારમાં જોકે ડોલરનો ઈન્ડેક્સ વધ્યો હતો છતાં ઘરઆંગણે ફોરેક્સ રિઝર્વ વધી ૭૪૦ અબજ ડોલર ઉપર જતાં કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો એકંદરે જળવાઈ રહ્યો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ઉંચામાં ૯૬.૫૭ થઈ ૯૬.૨૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૨.૧૭ થઈ છેલ્લે ભાવ ૯૧.૪૮ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૮૧૧થી ૧૮૧૨ વાળા છેલ્લે ભાવ ૧૮૨૨થી ૧૮૨૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ જોકે ૧૪૧૦થી ૧૪૧૧ વાળા ઘટી છેલ્લે ભાવ ૧૩૯૨થી ૧૩૯૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, ભારતમાં સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર ઘટાડતાં આયાતી સોના- ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થતાં તેની અસર પણ ઝવેરીબજાર પર દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ૬૬.૯૧ વાળા ઘટી છેલ્લે ૬૬.૨૦ ડોલર રહ્યા હતા.