મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો ઝડપથી આગળ વધ્યો હતો. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં તૂટતી બજારે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ બજારમાં દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ઔંસના ૫૦૦૦ ડોલરની અંદર ઉતરી એક તબક્કે ૪૯૦૦ની સપાટી પણ તોડી ગયાના વાવડ મળતાં દેશના ઝવેરી બજારોમાં આજે ગભરાટ જોવા મળ્યો હતો.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫ હજાર ગબડયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૫૦૬૨ વાળા તૂટી નીચામાં ભાવ ૪૮૮૫ ડોલર થઈ ૪૯૬૬થી ૪૯૬૭ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૮૨.૭૮થી ગબડી નીચામાં ભાવ ૭૪.૦૧ ડોલર સુધી ઉતરી ૭૭.૬૯થી ૭૭.૭૦ ડોલર રહ્યા હતા.
સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યું હતું. ક્રૂડતેલ ઘટતાં તેના પર નેગેટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ચાંદી ગબડી રૂ.૨ લાખ ૫૦ હજાર બોલાઈ હતી જ્યારે અમદાવાદ સોનાના ભાવ તૂટી ૯૯૫ના રૂ.૧૫૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૮૫૦૦ બોલાતા થયા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૫૦૦થી ૩૦૦૦ તૂટયા હતાજ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે રૂ.૧૬થી ૧૭ હજાર તૂટયા હતા.
મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૨૧૫૩ તથા ૯૯૯ના રૂ.૧૫૨૭૬૫ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ગબડી રૂ.૨૪૨૪૩૩ બોલાતા થયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૧૦૯થી ૨૧૧૦ વાળા તૂટી ૧૯૮૬ થઈ ૨૦૨૯થી ૨૦૩૦ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટી રૂ.૬૪૧૦૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ૧૭૦૫ વાળા ઘટી નીચામાં ભાવ ૧૫૯૪ થઈ ૧૬૫૩થી ૧૬૫૪ ડોલ ર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૬ ટકા તૂટયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં પણ ખાસ્સી પીછેહટ જોવા મળી હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૯.૨૬થી ઘટી ૬૬.૮૯ થઈ ૬૭.૦૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૪.૫૯ વાળા નીચામાં ભાવ ૬૬.૮૯ થઈ ૬૭.૦૮ ડોલર રહ્યા હતા.
અમેરિકામાં ક્રૂડના સ્ટોકમાં નોંધપાત્ર વૃદ્ધી થયાના વાવડ હતા. ભારતના રિફાઈનરને વેનેઝુએલાથી ક્રૂડની ડાયરેકટ ઈમ્પોર્ટ કરી શકે એ માટે અમેરિકાએ લાઈસન્સ આપ્યાના વાવડ મળ્યા હતા. ઓપેકના દેશો એપ્રિલથી ક્રૂડનું ઉત્પાદન ફરી વધારશે એવાં સંકેતો પણ મળ્યા હતા.


