Get The App

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર

- બંધ બજારે ડોલર સામે રૂપિયો ફરી ઉંચકાયો

- એક ડોલર સામે ઈરાની રિયાલ ગબડી ૧૫ લાખ ૮૦ હજાર: યુદ્ધ મંત્રણાઓ ફરી શરૂ થવાના સંક્તોએ વિશ્વ બજારમાં પ્રવાહો પલ્ટાયા

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે આંબેડકર જયંતિના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી ઉંચકાયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ તૂટયાના વાવડ હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધ સમજૂતી માટે ફરી વાતચીત શરૂ થશે એવા સંકેતો વહેતા થતાં વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ ઉછળ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૮.૯૯ વાળો આજે ઘટી નીચામાં ૯૮.૦૦ થઈ ૯૮.૧૦ રહ્યાના નિર્દેશો હતા. જ્યારે મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ  રૂ.૯૩.૩૭ વાળા ઘટી રૂ.૯૩.૦૬થી ૯૩.૦૭ રહ્યા હતા. વોરના પગલે વિશ્વ બજારમાં ડોલર સામે ઈરાનની કરન્સી રિઆલના ભાવ તૂટી ગયા હતા. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ઈરાની રિઆલના  ભાવ એક ડોલર સામે ગબડી ૧૫  લાખ ૮૦ હજાર રિઆલ સુધી ઉતરી ગયાના નિર્દેશો મળ્યા  હતા. 

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૮૦૦ વધી ૯૯૫ના રૂ.૧૫૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૬૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૪૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૭૧૯થી ૪૭૨૦ વાળા વધી ઉંચામાં ભાવ ૪૭૯૬ થઈ ૪૭૭૪થી ૪૭૭૫ ડોલર રહ્યા હતા, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૪.૨૬ વાળા વધી ૭૮.૧૩ થઈ ૭૭.૫૫થી ૭૭.૫૬ ડોલર રહ્યા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં આજેે સોનાના ભાવ રૂ.૧૫૦૦ વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવ રૂ.૯૦૦૦ ઉછળ્યા હતા. મુંબઈ સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૧૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૬૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ  વધી જીએસટી વગર રૂ.૨૪૬૦૦૦ રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી  ૨૦૮૬ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૫૮૩ ડોલર રહ્યા હતા.  દરમિયાન, યુદ્ધ સમજૂતી માટે ફરી મંત્રણાઓ શરૂ થશે એવા નિર્દેશો વચ્ચે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધતા અટકી ઝડપી ઘટાડા પર રહ્યા હતા.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના જે સોમવારે ઉંચામાં ૧૦૩.૮૭ ડોલર સુધી ઉછળ્યા હતા તે ભાવ આજે નીચામાં ૯૬.૫૦ થઈ ૯૯.૧૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૫.૬૫ ડોલરથી આજે ઘટી  ૯૭.૩૦ ડોલર રહ્યા હતા.