સોના-ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા : ક્રૂડમાં પીછેહટ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ફરી તેજી બતાવી રહ્યા હતા વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં આજે ઘટયા મથાળે વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો ફરી દાખલ થયાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૬૬૮થી ૨૬૬૯ વાળા વધી ઉંચામાં ૨૬૯૦ થઈ ૨૬૮૫થી ૨૬૮૬ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૭૭૧૬ વાળા રૂ.૭૮૧૧૦ રહ્યા હતા.
જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૮૦૨૮ વાળા રૂ.૭૮૪૨૪ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૮૮૭૩૦ વાળા રૂ.૮૯૫૫૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ૨૯.૭૪થી ૨૯.૭૫ વાળા આજે વધી ૩૦.૧૫ થઈ ૨૯.૯૯થી ૩૦.૦૦ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔેશના ૯૫૨થી ૯૫૩ વાળા નીચામાં ૯૩૬ થઈ ૯૪૩થી ૯૪૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૯૪૬થી ૯૪૭ વાળા નીચામાં ૯૩૭ થયા પછી ઉંચામાં ભાવ ૯૬૧ થઈ ૯૬૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૨૯ ટકા પ્લસમાં રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૦.૭૪ વાળા નીચામાં ૭૯.૬૨ થઈ ૮૦.૦૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્ડના ભાવ ૭૮.૬૪ વાળા ૭૭.૨૪ થઈ ૭૭.૭૪ ડોલર રહ્યા હતા.
અમેરિકામાં પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ ત્યાં ક્રૂડતેલનો સ્ટોક ૩૫ લાખ બેરલ્સ ઘટવાની અપેક્ષા હતી. તેના બદલે સ્ટોકમાં ત્યાં ૨૬ લાખ બેરલ્સનો ઘટાડો થયો છે. જો કે ત્યાં ગેસોલીનનો સ્ટોક ૫૪ લાખ બેરલ્સ વધ્યાના સમાચાર મળ્યા હતા. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યામુજબ વૈશ્વિક સ્તરે આ વર્ષે ક્રૂડતેલની સરપ્લસ ઓછી રહેવાની શક્યતા છે. રશિયાથી ઓઈલની આયાત કરવાની વિચારણા ઈન્ડોનેશિયા કરી રહ્યાના સમાચાર મળ્યા હતા.




