મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજાર ફરવી વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધ્યાના વાવડ મળ્યા હતા. તેના પગલે ઘરઆંગણે જે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ તથા ચાંદીના ભાવ કિલોનૌ રૂ.૩૦૦૦ ઉંચકાયા હતા.
દિવસ દરમિયાન, ઈરાન યુદ્ધ વિશે ફરી વાટાઘાટો શરૂ થતાં યુદ્ધ વિરામની શક્યતા વધતાં વિશ્વ બજાર પર તેની ઈમ્પેકટ આજે દેકાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૭૪૩ વાળા વધી ૪૭૮૨ ડોલર થઈ ૪૭૭૦થી ૪૭૭૧ ડોલર રહ્યા હતા. ફંડોનું એક્ટીવ બાઈંગ જોવા મળ્યું હતું.
દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીનાભાવ પણ ઔંશના ૭૪.૨૨ વાળા વધી ૭૬.૨૧ ડોલર થઈ ૭૫.૭૮થી ૭૫.૭૯ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધ્યા પછી ઘટયા હતા. યુદ્ધના સમાધાન માટે શરૂ થયેલીી ગતિવિધીઓ પર બજારની નજર રહી હતી. યુએસ ક્રૂડના ભાવ બેરલના ૯૯.૨૪થી વધી ઉંચામાં ભાવ ૧૦૨.૪૨ થયા પછી ભાવ ફરી તૂટી ૯૭ થઈ ૯૭.૫૬ ડોલર રહ્યા હતા. બ્રેન્ટના ભાવ ઉંચામાં ૯૮.૨૬ થઈ ૯૫.૩૯ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક સ્તરે લેબગ્રોન ડાયમંડનું ચલણ વધતાં ચાર વર્ષમાં નેચરલ ડાયમંડની માગમાં ૪૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ડાયમંડ માઈનિંગ કંપનીઓના શેરોના ભાવા આ ગાળામાં ૭૬થી ૭૭ ટકા તૂટયા હતા. ડાયમંડ બજારમાં ચીનની માગ ઘટી હતી.
ઘરઆંગણે અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૩૬૦૦૦ બોલાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૪૩ વાળા ઉંચામાં ભાવ ૨૧૧૨ થઈ ૨૦૮૧થી ૨૦૮૮૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ જો કે ૧૫૬૧ વાળા ઘટી નીચામાં ભાવ ૧૫૩૦ થઈ ૧૫૩૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૬૬ ટકા વધ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૪૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૩૫૦૦થી ૪૦૦૦ વધ્યા હતા. મુબઈ બુલિયન બજારમાં સોનાના વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૯૭૨૫ તથા ૯૯૯ના રૂ.૧૫૦૩૨૭ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૨૪૧૦૧૩ થઈ રૂ.૨૩૯૯૩૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૪૭૫૩ વાળા રૂ.૬૭૦૭૧ થઈ રૂ.૬૫૭૭૦ રહ્યા હતા.


