Get The App

અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં વર્ષમાં રૂ.58000, ચાંદીમાં રૂ.161000 નોઉછાળો

- હોર્મુઝમાં ફરી હેરફેર રુંધાતાં ક્રૂડતેલ આંચકા પચાવી ઉંચકાયું

- અખાત્રીજ પૂર્વે ચાંદીના ભાવ શનિવારે રૂ.૧૦ હજાર વધ્યા: બંધ બજારે રૂપિયા સામે ડોલરમાં પીછેહટ

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં વર્ષમાં રૂ.58000, ચાંદીમાં રૂ.161000 નોઉછાળો 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૮૨૧થી ૪૮૨૨ વાળા વધી છેલ્લે સપ્તાહના અંતે ૪૮૩૦થી ૪૮૩૧ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. ઈરાન- અમેરિકા વચ્ચે થનારી વાટાઘાટો પર બજારના ખેલાડીઓની નજર રહી હતી.

ઈઝરાયલ તથા લેબેનોન વચ્ચે યુધ્ધ વિરામ વચ્ચે ઈરાને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ ખોલવાનું નક્કી કર્યા પછી અમેરિકાએ ઈરાનના પોર્ટા પર બ્લોકેડ ચાલુ રાખતાં તેના પગલે ઈરાને હોર્મુઝને ફરી બંધ કરી દીધાની ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ હતી. આના પગલે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા મથાળેથી ફરી વધી આવ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૯૭.૬૩ થયા પછી ઉંચામાં ૯૮.૨૯ થઈ ૯૮.૨૩ છેલ્લે રહ્યાના સમાચાર હતા.

મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ  રૂ.૯૨.૯૫ વાળા રૂ.૯૨.૯૦ આસપાસ રહ્યા હતા. વિશ્વબજારમાં  બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના નીચામાં ૮૬.૦૯ ડોલર થયા પછી છેલ્લે ભાવ ૯૦.૩૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૦.૫૬  ડોલર થઈ છેલ્લે ભાવ ૮૩.૮૫ ડોલર રહ્યા હતા.હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ઈરાન દ્વારા ગનફાયર થતાં આવા જહાજો ઓમાન તરફ વળી રહ્યાના નિર્દેશો પણ મળ્યા હતા.

ભારતમાં ઈરાન સુપર ટેન્કર દોરના ૨૦ લાખ બેરલ્સ ક્રૂડ ઓઈલ લઈ આવી પહોંચ્યાના વાવડ મળ્યા હતા. અમેરિકાએ રશિયાનું ઓઈલ આયાત કરવાની છૂટની મુદત ૧૬મી મે સુધી લંબાવ્યાના વાવડ પણ મળ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીન ાભાવ કિલોદીઠ રૂ.૧૦ હજાર વધી રૂ.૨૫૫૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંસના વૈશ્વિક ચાંદીના ભાવ ૮૦.૨૬થી વધી ૮૦.૯૦ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૨૫૪૦૦૦ તથા સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૫૨૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૬૦૦ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, ગયા વર્ષના અખાત્રીજ તથા આ વર્ષના અખાત્રીજ દરમિયાનના એક વર્ષના ગાળામાં સોનાના ભાવ રૂ.૫૮ હજાર તથા ચાંદીના ભાવ રૂ.૧૬૧૦૦૦ જેટલા વધી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના નીચામાં ૨૦૬૯ થઈ ૨૧૧૪ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઘટી છેલ્લે ૧૫૬૩થી ૧૫૬૪ ડોલર રહ્યા હતા.