મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ઝડપી ઉછળ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે સમજૂતી સધાશે એવા નિર્દેશો વહેતાં થતાં વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળ્યા હતા. જ્યારે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ૪ ટકા તૂટી ગયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ વધ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૦૦૦ ઉછળ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૦૮૪ થી ૪૦૮૫ વાળા વધી ઉંચામાં ભાવ ૪૨૪૬ થઈ ૪૨૦૯ થી ૪૨૧૦ ડોલર રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૪૭૨૦૮ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૭૮૦૦ જીએસટી વગર રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ વધી જીએ સટી વગર રૂ.૨૪૨૫૮૨ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના આશરે રૂ.૧૭૦૦ વધી રૂ.૬૧૯૨૪ થઈ રૂ.૬૧૩૫૨ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૭૪૪ થઈ ૧૭૨૩થી ૧૭૨૪ ડોલર રહ્યા હતા. જયારે પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૧૩૧૯ થઈ ૧૩૧૦થી ૧૩૧૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૭૬ ટકા ઉછળ્યા હતા.
દરમંયાન, ઈરાન યુદ્ધમાં સમજૂતીની આશા વધતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી તૂટયા હતા તથા વૈશ્વિક ડોલરમાં સેફ હેવન સ્વરૂપની નવી માગ અટકતાં વિશ્વ બજારમાં ડોલર બેકફૂટ પર જતો રહ્યો હતો. વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના તૂટી નીચામાં ભાવ ૮૫.૮૦ થઈ ૮૭.૩૫ ડોલર રહ્યા હતા. જ્યારેયુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૩.૨૦ થઈ ૮૪.૪૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ગબડી ૩ મહિનાના તળિયે ઉતરી ગયા હતા.
દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૨૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વ ધી રૂ.૨૪૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૩૦૦૦ વધ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૧૦ હજાર ઉછળ્યા હતા.


