અનિલ અંબાણી પર ED નો બેવડો પ્રહાર! હવે ડઝનેક બેન્કોને પત્ર લખી વધારી મુશ્કેલી
ED Summons Bankers Over Anil Ambani Group Loan Fraud: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) અનિલ અંબાણીના રૂ. 17000 કરોડના બેન્ક લોન કૌભાંડ મામલે 12થી 13 સરકારી તથા ખાનગી બેન્કોને સમન્સ પાઠવી શકે છે. તપાસ એજન્સીએ આ મામલે 12થી 13 બેન્કોને રિલાયન્સ હાઉસિંગ ફાઈનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સને આપવામાં આવેલી લોન સંબંધિત વિગતો અને પ્રક્રિયા દર્શાવતો પત્ર લખ્યો છે.
આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઈડીએ 12થી 13 બેન્કો પાસે અનિલ અંબાણી રિલાયન્સ ગ્રૂપની કંપનીઓને ફાળવવામાં આવેલી લોનની વિગતો માગી છે. ઈડીએ જે બેન્કોને પત્ર લખ્યો છે, તેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, યુકો બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્ક સામેલ છે.
ED એ બેન્કો પાસે લોન ક્લિયરન્સ, કેટલા સમયમાં ડિફોલ્ટ થઈ, રિકવરી પ્રક્રિયા સહિતની વિગતો મગાવી છે. જો બેન્કો સંતોષજનક જવાબો આપવામાં નિષ્ફળ રહી તો તેને સમન્સ પાઠવવામાં આવી શકે છે. તપાસ એજન્સી આ મામલે પાંચ ઓગસ્ટના રોજ અનિલ અંબાણીની પૂછપરછ કરશે.
આ પણ વાંચોઃ 5 વર્ષમાં AIને કારણે 80% નોકરીઓનો અંત આવશે, ભારતીય મૂળના અમેરિકન નિષ્ણાતનો દાવો
RAAGAના 35 સ્થળોએ પાડ્યા હતાં દરોડા
અગાઉ ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ સાથે સંકળાયેલી 50 જેટલી કંપનીઓ અને લોકોને આવરી લેતાં 35 સ્થળોએ દરોડા પાડ્યા હતાં. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દરોડા હાથ ધરાયા હતાં. જેમાં ગ્રૂપે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને રૂ. 68.2 કરોડની નકલી બેન્ક ગેરંટી આપી હોવાના દાવા સામે પણ તપાસ હાથ ધરાઈ હતી. જેના માટે ગ્રૂપે એસબીઆઈ ડોમેનનું બનાવટી ઈમેઈલ ડોમેન પણ વાપર્યું હોવાનો આરોપ છે.
3000 કરોડનું લોન ફ્રોડ
ઈડીએ 2017થી 2019 દરમિયાન યસ બેન્ક દ્વારા અનિલ અંબાણી જૂથની કંપનીઓને ફાળવવામાં આવેલી રૂ. 3000 કરોડની લોનમાં કથિત હેરાફેરી કરી હોવાના આરોપની તપાસ હાથ ધરી છે. જેમાં ફેક કંપની અને ફેક ઈનવોઈસ રજૂ કરી લોન મેળવવામાં આવી હોવાનો આરોપ છે. ઈડીએ આ મામલે અંબાણી વિરૂદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કર્યું હતું.