5 વર્ષમાં AIને કારણે 80% નોકરીઓનો અંત આવશે, ભારતીય મૂળના અમેરિકન નિષ્ણાતનો દાવો
AI Cuts Jobs: દાયકા પહેલાં કોમ્પ્યુટરના આગમનથી જેવો ખળભળાટ થયો હતો, તેવી જ સ્થિતિ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આગમન પર સર્જાઈ છે. એઆઈના કારણે અમુક લોકોને લાગે છે કે, અનેક લોકોની રોજગારી છીનવાઈ જશે, જ્યારે અમુક લોકોને લાગે છે કે, તેનાથી તમામ કામ સરળ અને પારદર્શી થશે. આ તમામ અટકળો વચ્ચે ભારતીય મૂળના અમેરિકન રોકાણકાર વિનોદ ખોસલાએ એક ચોંકાવનારો અંદાજ આપ્યો છે.
વિનોદ ખોસલાનું કહેવું છે કે, આગામી પાંચ વર્ષમાં 80 ટકા નોકરીઓ ખતમ થઈ જશે. નિખિલ કામથની સાથે પોડકાસ્ટમાં વિનોદ ખોસલાએ આ નિવેદન આપ્યું હતું. તે માને છે કે, હવે મોટાભાગની નોકરીઓમાં લોકોનું કામ એઆઈના માધ્યમથી થવા લાગ્યું છે. આગામી સમયમાં 80 ટકા કામકાજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી થવા લાગશે.
વિદ્યાર્થીઓને પણ આપી સલાહ
ખોસલાએ આગળ વિદ્યાર્થીઓને પણ સલાહ આપતાં કહ્યું કે, ભવિષ્યના વિદ્યાર્થીઓએ સ્પેશિયાલિસ્ટ બનવાના બદલે જનરલિસ્ટ બનવુ પડશે. અર્થાત તમામ ચીજોની માહિતી રાખવી પડશે. જો કે, ખોસલાએ અપેક્ષા પણ વ્યક્ત કરી છે કે, વર્તમાન રોજગારી ભલે છીનવાઈ જતી, પણ અમુક રોજગારીની નવી તકો પણ સર્જાશે. જે તદ્દન અલાયદી હશે. એવી ઘણી નોકરીઓ જ્યાં આજે માનવી કામ કરી રહ્યા છે, તેના સ્થાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કામ કરશે.
2040 સુધીમાં આવશે મોટું પરિવર્તન
વધુમાં જણાવ્યું કે, 2040 સુધી ઘણી ચીજો બદલાઈ જશે. એવી સ્થિતિ સર્જાશે કે, અનેક કામો ખતમ થઈ જશે. જો કોઈ તે કામ કરવા ઈચ્છતું હશે તો તે તેનો શોખ ગણાશે. પરંતુ જરૂરિયાત નહીં. દિગ્ગજ ટેક્ કંપનીઓ પણ હવે મોટાપાયે છટણી હાથ ધરી રહી છે. વર્કફોર્સની પુનઃરચના કરી રહી છે. પરંતુ સત્ય આ જ છે કે, પરિસ્થિતિ બદલાઈ રહી છે. નોંધનીય છે, હાલમાં જ ટીસીએસે એઆઈના કારણે અપગ્રેડેશનના લીધે આગામી વર્ષ સુધીમાં 12 હજાર કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી.