Explainer: સોનું દુબઈમાં ભારત કરતા કેટલું સસ્તું છે? જાણો કેટલું લાવવાની છૂટ છે અને કેટલી બચત થઈ શકે
Dubai-India Gold Price : હાલમાં જ કન્નડ અભિનેત્રી રાન્યા રાવ 14.2 કિલો સોનાની તસ્કરી કરતી ઝડપાઈ ગઈ હતી. આ માટે તે વારંવાર દુબઈ જતી હતી. દુબઈથી ભારતમાં થતી સોનાની દાણચોરી નવાઈની વાત નથી, પણ જાણીતી અભિનેત્રી આ ગુનામાં સંડોવાઈ હોવાથી આ મામલો હાલ લોકજીભે ચઢ્યો છે. દુબઈમાં ભારત કરતાં સોનું સસ્તું છે, એ તો સૌને ખબર છે. દુબઈ જતો લગભગ પ્રત્યેક ભારતીય પરત ફરતી વખતે થોડુંઘણું સોનું તો લાવતો જ હોય છે. તો ચાલો, આજે જાણીએ કે દુબઈથી સોનું ખરીદી લાવવામાં ભારતીયોને કેટલા રૂપિયાનો ફાયદો થાય છે, એના પર કેટલી કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડે છે અને એક વ્યક્તિને કેટલી માત્રામાં સોનું લાવવાની છૂટ હોય છે.
ભારતની તુલનમાં દુબઈમાં સોનાનો ભાવ
ભારતના મુંબઈ સાથે સરખામણી કરીએ તો દુબઈમાં સોનાની બજાર કિંમત 11.6 ટકા ઓછી છે. સોનાનો ભાવ રોજેરોજ બદલાતો રહેતો હોય છે, તેથી 7 માર્ચના દિવસની સોનાની કિંમત ધ્યાનમાં લઈએ તો, એ દિવસે દુબઈમાં 10 ગ્રામ સોનાની કિંમત 3,260 દિરહામ હતી. 3,260 દિરહામ એટલે 887.63 ડોલર. રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો ત્યાં 10 ગ્રામ સોનાની કિંમત (1 ડોલર = 87.06 રૂપિયાને હિસાબે) રૂ. 77,277 થાય છે. 7 માર્ચે મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ. 87,480 (1,004 ડોલર) હતો, એટલે કે એ દિવસે દુબઈમાં સોનું મુંબઈની સરખામણીમાં 11.6 ટકા સસ્તું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધુ મોંઘું
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો 7 માર્ચના રોજ ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 2,908.9 ડોલર પ્રતિ ઔંસ હતો. એક ઔંસમાં 28.3495 ગ્રામ હોય છે, તેથી 10 ગ્રામ સોનું 1,026 ડોલરમાં પડે. આ ભાવ દુબઈ અને મુંબઈ બંને કરતા વધારે છે.
ભારતમાં લવાતા સોના પર કસ્ટમ ડ્યુટી
તમે દુબઈથી ભારતમાં સોનું લાવો છો, ત્યારે તેના પર કસ્ટમ ડ્યુટી (આયાત શુલ્ક) ચૂકવવી પડે છે. કસ્ટમ ડ્યુટી ભારત સરકાર દ્વારા સૂચિત દર (જેને 'ટેરિફ વેલ્યુ' અથવા 'બેઝ રેટ' કહેવાય છે)ના આધારે લાદવામાં આવે છે, જે કિંમતે તમે સોનું દુબઈમાં ખરીદ્યું હોય તેના આધારે નહીં.
ભારતમાં સોનાનું ટેરિફ મૂલ્ય કેટલું છે?
હાલમાં, સોનાનું ટેરિફ મૂલ્ય 10 ગ્રામ દીઠ 927 ડોલર છે. અગાઉ એ 938 ડોલર હતું. 28 ફેબ્રુઆરીએ ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ’ (CBIC) દ્વારા તેને ઘટાડી દેવાયું હતું.
સોના પર કેટલી ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે?
ભારતમાં સોનાની આયાત પર હાલમાં 6 ટકા ડ્યૂટી લાગે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2024-25માં તેને 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરાઈ હતી.
દુબઈથી ખરીદેલા સોના પર કેટલી બચત થાય છે?
જો તમે દુબઈથી સોનું લાવો છો, તો 927 ડોલરના સોનાના ટેરિફ મૂલ્ય પર 6 ટકા ડ્યુટી ચૂકવવી પડે છે, જે 55.62 ડોલર થાય છે. રૂપિયામાં રૂપાંતરિત કરો તો આ રકમ 4,842 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થશે.
આ હિસાબે જોઈએ તો દુબઈથી ખરીદેલા 10 ગ્રામ સોનાની કિંમત 887.63 ડોલર વત્તા 55.62 ડોલરનું ઈમ્પોર્ટ ડ્યૂટી બરાબર 943.25 ડોલર એટલે કે રૂ. 82,119.34 થાય. મુંબઈમાં 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 87,480 હોવાથી દુબઈનું સોનું તમને 5,360 રૂપિયા સસ્તું પડશે.
વિદેશથી કેટલું સોનું ભારત લાવવાની છૂટ?
વિદેશથી ભારતમાં સોનું લાવવાના ખાસ નિયમો છે. એક નજર આ નિયમો પર નાંખીએ.
- 1967ના પાસપોર્ટ એક્ટ હેઠળ ભારતીય મુસાફરો વિદેશથી મહત્તમ એક કિલોગ્રામ સોનું લાવી શકે.
- વિદેશમાં કમસેકમ છ મહિના રોકાણ કરનારા ભારતીયો નિયત માત્રામાં સોનું લાવે તો એના પર ડ્યુટી ચૂકવવી પડતી નથી. આ નિયમ અંતર્ગત પુરુષો 20 ગ્રામ અને મહિલાઓ 40 ગ્રામ સોનું ડ્યુટી ફ્રી લાવી શકે છે.
- એકલ મહિલા પ્રવાસીને રૂ. 1,00,000ની મૂલ્ય મર્યાદા લાગુ પડે છે.
- ઉપરના નિયમને આધીન બાળકોને લિંગના આધારે રૂ. 50,000થી 1,00,000ની મૂલ્ય મર્યાદા સાથે 20થી 40 ગ્રામ સોનું લાવવાની છૂટ છે. અહીં બાળકની વય 15 વર્ષથી ઓછી હોવી જરૂરી છે. 15 વર્ષથી ઓછી વયના છોકરાને મહત્તમ 20 ગ્રામ અને છોકરીને મહત્તમ 40 ગ્રામ સોનું લાવવાની છૂટ છે.
નિયમોમાંય આવા પેટા નિયમ છે
અલબત્ત, આ ‘કમસેકમ છ મહિનાના વિદેશ વસવાટ’ બાબતે પણ અમુક નિયમો છે, જેમ કે,
- જો છ મહિના વિદેશ વસવાટના સમયગાળા દરમિયાન તમે ભારતની ટૂંકી મુલાકાત લેશો તો એનો કોઈ વાંધો નહીં. તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમે ભારતમાં સળંગ 30 દિવસથી વધુ ન રોકાયા હોવ. આ ઉપરાંત આ ટૂંકી મુલાકાતો દરમિયાન તમે પેલું ડ્યુટી-ફ્રી સોનું લાવવાની મુક્તિનો લાભ લીધો ન હોય. આ બંને નિયમો પાળ્યા હશે તો જ તમને છ મહિનાના અંતે ઉપર જણાવ્યું એ પ્રમાણેની માત્રાનું સોનું ભારત લાવવાની છૂટ મળશે.
- ઉપરના નિયમો હેઠળ ભારતીયો વિદેશથી ફક્ત સોનાના ઘરેણાં લાવી શકે છે, સોનાના સિક્કા, બિસ્કિટ કે ઈંટો લાવવાની છૂટ નથી.
આ પણ વાંચો : અમેરિકામાં વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ, સીક્રેટ સર્વિસે શખસને મારી ગોળી