Business

'ચીનનું પગલું અમેરિકા પર આર્થિક હુમલા સમાન..' ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું તે જાણી જોઈને આવું કરે છે

By GS Team
15 Oct 20253 mins read
This article was originally published on 15 Oct 2025
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના લીધે દેશની કમાણીમાં વધારો થવાનો અંદાજ આપ્યો છે, તો બીજી બાજુ તેના લીધે વૈશ્વિક સ્તરે વેપાર તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા-ચીન વેપાર તણાવ અન્ય દેશો માટે માથાનો દુઃખાવો બન્યો છે. અમેરિકા દ્વારા લાદવામાં આવતાં ટેરિફનો ચીન ઉગ્ર જવાબ આપી રહ્યું છે. તેણે દુર્લભ ખનીજ તત્ત્વો, સોયાબીન સહિત અન્ય પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. ચીનના આ પગલાંને અમેરિકાએ આર્થિક હુમલો ગણાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ચીનનું પગલું અમેરિકા પર આર્થિક હુમલા સમાન..' ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું તે જાણી જોઈને આવું કરે છે

USA-China Trade War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના લીધે દેશની કમાણીમાં વધારો થવાનો અંદાજ આપ્યો છે, તો બીજી બાજુ તેના લીધે વૈશ્વિક સ્તરે વેપાર તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા-ચીન વેપાર તણાવ અન્ય દેશો માટે માથાનો દુઃખાવો બન્યો છે. અમેરિકા દ્વારા લાદવામાં આવતાં ટેરિફનો ચીન ઉગ્ર જવાબ આપી રહ્યું છે. તેણે દુર્લભ ખનીજ તત્ત્વો, સોયાબીન સહિત અન્ય પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. ચીનના આ પગલાંને અમેરિકાએ આર્થિક હુમલો ગણાવ્યો છે. 


ટ્રમ્પે ચીનને આપી ચેતવણી

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ મારફત ચીન પર આકરા પ્રહારો કર્યા છે, અને ચેતવણી આપતાં કહ્યું કે, મારૂ માનવું છે કે, ચીન જાણીજોઈને અમારૂ સોયાબીન ખરીદવા માગતું નથી. તે અમારા સોયાબીનના ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે. તેનું આ પગલું અમેરિકા પર આર્થિક હુમલા સમાન છે. આ પગલાં વિરુદ્ધ કાર્યવાહી કરતાં અમે ચીનની સાથે જોડાયેલો કુકિંગ ઓઇલ અને અન્ય વ્યાપારિક ગતિવિધિઓને ખતમ કરવા વિચારી રહ્યા છીએ. અમે કુકિંગ ઓઇલનું ઉત્પાદન સરળતાથી કરી શકવા સક્ષમ છીએ, અમારે ચીન પાસેથી ખરીદવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ અમેરિકાએ ચીન વિરુદ્ધ ભારતની મદદ માગી, રેર અર્થ મિનરલ્સ મુદ્દે કહ્યું કે આ ચીન vs વર્લ્ડ છે...

અમેરિકાના સોયાબીનનો સૌથી મોટો ખરીદદાર ચીન

અમેરિકાના સોયાબીનની સૌથી વધુ નિકાસ ચીનમાં થાય છે. ચીન અમેરિકા પાસેથી તેની કુલ સોયાબીન નિકાસના 1/4 ખરીદી કરે છે. ગતમહિને અમેરિકાએ ચીનની આયાત પર ટેરિફ લગાવતાં ચીને સોયાબીનની ખરીદી બંધ કરી દીધી હતી. જેનાથી અમેરિકાના ખેડૂતો સામે મોટું સંકટ આવ્યું હતું. અમેરિકન સોયાબીન એસોસિએશન બિઝનેસ ગ્રૂપના ચીફ કેલેબ રેગલેન્ડે તો ચીનના આ પગલાંને ઉદ્યોગ માટે એક મોટી ચેતવણી જાહેર કરી હતી.

ચીને સોયાબીનની ખરીદી બંધ કરતાં અમેરિકાને મોટું નુકસાન થઈ રહ્યું છે. ગતવર્ષે અમેરિકાએ 24.5 અબજ ડૉલરના સોયાબીનની નિકાસ કરી હતી. જેમાં ચીને 12.5 અબજ ડૉલરની ખરીદી કરી હતી. આ વર્ષે ચીનની ખરીદીનો આંકડો શૂન્ય છે.

યુએસ-ચીન ટ્રેડવોર શરુ 

ગયા અઠવાડિયે, ડોનાલ્ડ ટ્રમ્પે ચીન દ્વારા દુર્લભ ખનિજો પર કડક પ્રતિબંધોના જવાબમાં ચીનની આયાત પર 100% ટેરિફની જાહેરાત કરી હતી. આ ટેરિફ 1 નવેમ્બર, 2025થી લાગુ કરવામાં આવશે. જેનો ચીને આક્રમક જવાબ આપવાનો મૂડ દર્શાવ્યો છે. ફરી એકવાર ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર શરુ થઈ છે. ચીને સોયાબીનની ખરીદી બંધ કરતાં પ્રમુખ ટ્રમ્પે ચીમકી આપી છે કે, બેઇજિંગ દ્વારા અમેરિકન સોયાબીન ખરીદવાનો ઇન્કાર કરવાના બદલામાં અમારું વહીવટીતંત્ર ચીન સાથે રસોઈ તેલ સંબંધિત વેપાર સમાપ્ત કરવાનું વિચારી રહ્યું છે. આ અહેવાલો દર્શાવે છે કે ચીનની રસોઈ તેલની નિકાસ 2024માં રૅકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી, જેમાં અમેરિકા કુલ નિકાસના 43% હિસ્સો ધરાવે છે.

ચીને અમેરિકાનો વિકલ્પ શોધી કાઢ્યો

અમેરિકન પ્રોડક્ટ્સ પર જવાબી ટેરિફને કારણે ચીનના આયાતકારો માટે સોયાબીન વધુ મોંઘા થયા છે. તેથી, ચીને દક્ષિણ અમેરિકન ઉત્પાદકો પાસેથી સોયાબીન ખરીદવાનું શરુ કર્યું છે.  જેમાં બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા દેશોનો સમાવેશ થાય છે. તેના પગલાં દ્વારા, ચીન વૈશ્વિક સોયાબીનના ભાવને પ્રભાવિત કરવાની સ્થિતિમાં છે. ટ્રમ્પના ચીન પર કડક વલણ બાદ, હવે બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટોની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થયા છે.