દેવું કરીને પણ ઘી પીવો! ભારતીયોએ દિવાળીમાં ક્રેડિટ કાર્ડથી 2.45 લાખ કરોડ રૂપિયાની ખરીદી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Diwali Credit Card Spending 2.45 Lakh Crore RBI Data: મોંઘવારીનો માર છતાં દિવાળીના તહેવારો દરમિયાન ઓનલાઈન શોપિંગ અને આકર્ષક સ્કિમ્સ વચ્ચે ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી મોટાપાયે ખરીદી કરી હોવાનું RBIના આંકડામાં ખુલ્યું છે. જેમાં ઓક્ટોબર 2026માં ક્રેડિટ કાર્ડનો ખર્ચ ડેબિટ કાર્ડની ખરીદી કરતાં લગભગ 6 ગણો નોંધાયો હતો. જ્યારે બીજી તરફ, તહેવારોની જરૂરિયાતો માટે લોકોએ ATMમાંથી પણ મોટી માત્રામાં રોકડ ઉપાડી હતી.
દિવાળીના તહેવાર ટાણે ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 2.45 લાખ કરોડ રૂપિયાની ખરીદી કરી
વર્ષ 2026ના ઓક્ટોબર મહિનામાં ક્રેડિટ કાર્ડ દ્વારા થયેલો ખર્ચ ડેબિટ કાર્ડની ખરીદીના મૂલ્ય કરતાં લગભગ 6 ગણો રહ્યો હોવાનો ભારતીય રિઝર્વ બેંક(RBI)ના માસિક ડેટામાં ખુલ્યું છે. ભારતીય રિઝર્વ બેંક(RBI)ના ATM, એક્સેપ્ટન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્ડ ટ્રાન્ઝેક્શન અંગેના માસિક ડેટા અનુસાર, ઓક્ટોબર દરમિયાન ડેબિટ કાર્ડ દ્વારા થયેલા રૂ.40,492 કરોડના ખર્ચની સામે ક્રેડિટ કાર્ડનો ખર્ચ લગભગ રૂ.2.45 લાખ કરોડ રહ્યો હતો.
ક્રેડિટ કાર્ડથી રૂ.1.54 લાખ કરોડ ઓનલાઇન વ્યવહારો
આ મહિના દરમિયાન ATM અને PoS(પોઈન્ટ ઓફ સેલ) ટર્મિનલ્સ પરથી થયેલો રોકડ ઉપાડ રૂ.2.33 લાખ કરોડથી વધુ રહ્યો હતો, જે ક્રેડિટ કાર્ડના ખર્ચ કરતાં નજીવો ઓછો હતો. ક્રેડિટ કાર્ડના ખર્ચમાં રૂ.1.54 લાખ કરોડ ઓનલાઇન વ્યવહારો થયા હતા. જ્યારે ફિઝિકલ PoS ટર્મિનલ્સ પર થયેલી ખરીદી રૂ.90,562 કરોડની રહી હતી. તેમજ અન્ય ક્રેડિટ કાર્ડ વ્યવહારોનું મૂલ્ય લગભગ રૂ.119 કરોડ હતું.
બીજી તરફ, ડેબિટ કાર્ડનો ખર્ચ ફિઝિકલ રિટેલ વ્યવહારો તરફ વધુ ઝુકેલો રહ્યો હતો. જેમાં PoS ટર્મિનલ્સ પર થયેલી ખરીદી રૂ.24,957 કરોડ રહી હતી, જ્યારે ઓનલાઇન વ્યવહારો રૂ.15,284 કરોડના થયા હતા. અન્ય ડેબિટ કાર્ડ વ્યવહારોનું મૂલ્ય રૂ.251 કરોડ હતું.
ડિજિટલ માધ્યમથી ખરીદી છતાં રોકડ ઉપાડ વધ્યો
રોડક ઉપાડમાં સૌથી મોટો ભાગ ATM પરથી ડેબિટ કાર્ડના વ્યવહારનો રહ્યો હતો. જેમાં 42.04 કરોડ વ્યવહારોમાં રૂ.2.32 લાખ કરોડનો ઉપાડ રહ્યો હતો. જેમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ATM માંથી રૂ.415 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને PoS ટર્મિનલ્સ પર થયેલો રોકડ ઉપાડ લગભગ રૂ.1.27 કરોડ જેટલો જોવા મળ્યો હતો.
RBIના આંકડા અનુસાર, જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મુખ્યત્વે ખરીદી માટે, ખાસ કરીને ઓનલાઇન ખરીદી માટે થયો હતો. ત્યારે ડેબિટ કાર્ડ મોટાભાગે રોકડ મેળવવાના માધ્યમ તરીકે જ કામ કરતા રહ્યા, કારણ કે ATM ઉપાડ ડેબિટ કાર્ડની ખરીદીના વ્યવહારો કરતાં ઘણા વધારે હતા.




