Get The App

કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી

- માર્ચમાં રૂપિયા ૧.૪૨ લાખ કરોડ સામે એપ્રિલમાં રૂપિયા ૫૧૦૦૦ કરોડની લેવાલી

- યુદ્ધની સ્થિતિ તથા કંપનીઓના પરિણામો વચ્ચે થોભો અને રાહ જુઓની નીતિ

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી 1 - image

મુંબઈ : વર્તમાન વર્ષના માર્ચમાં ઈક્વિટી કેશમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની આક્રમક ખરીદી રહ્યા બાદ એપ્રિલમાં ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચની સરખામણીએ એપ્રિલમાં નબળી ખરીદી ડીઆઈઆઈ યુદ્ધની સ્થિતિમાં સાવચેતીનું વલણ ધરાવતા હોવાના સંકેત આપે છે. 

માર્ચમાં ડીઆઈઆઈની ભારતીય ઈક્વિટી કેશમાં રૂપિયા ૧,૪૨,૯૬૦ કરોડની નેટ લેવાલી રહી હતી જ્યારે એપ્રિલનો આ આંક રૂપિયા ૫૧૦૬૩ કરોડ રહ્યો છે. 

અમેરિકા-ઈરાન યુદ્ધ ફાટી નિકળ્યા બાદ માર્ચમાં ડીઆઈઆઈની ઘરેલુ ઈક્વિટી માર્કેટમાં સતત ખરીદી ચાલુ રહેતા શેરબજારમાં મોટા ધબડકા અટકી શકયા હતા. 

એપ્રિલમાં નવા નાણાં વર્ષના પ્રારંભ ઉપરાંત માર્ચ ત્રિમાસિક ગાળા માટે કંપનીઓના પરિણામો પર પણ  નજર રાખી ડીઆઈઆઈએ ખરીદીમાં સાવચેતી ધરાવી હતી એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

ડીઆઈઆઈમાં મ્યુચ્યુઅલ ફન્ડો, વીમા કંપનીઓ, પેન્શન ફન્ડો તથા બેન્કોનો સમાવેશ થાય છે. યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી ફન્ડ મેનેજરો  વધુ કેશ ઓન હેન્ડ જાળવી રાખવાનો વ્યૂહ ધરાવી રહ્યા છે. 

અમેરિકાની ટેરિફ નીતિ તથા યુદ્ધને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને પરિણામે ભારતીય કંપનીઓની કામગીરી પર અસર પડી છે.  બીજી બાજુ એપ્રિલમાં સતત દસમાં મહિને વિદેશી રોકાણકારોની નેટ વેચવાલી જળવાઈ રહી હતી.