Business

સરકારે બેંક કર્મચારીઓની માગણીઓ સ્વીકારી લીધી? જાણો હડતાળ ટળી જવાનું કારણ

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
દેશના કરોડો બેંક ગ્રાહકોને રાહત, 28 થી 30 સપ્ટેમ્બરની 3 દિવસીય દેશવ્યાપી બેંક હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ વચ્ચે 27 સપ્ટેમ્બરના રોજ થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો. 5 દિવસીય બેંકિંગની માંગ પર હજુ કોઈ અંતિમ નિર્ણય નથી. આ મુદ્દે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારે બેંક કર્મચારીઓની માગણીઓ સ્વીકારી લીધી? જાણો હડતાળ ટળી જવાનું કારણ

Bank Strike news : દેશના કરોડો બેંક ગ્રાહકો માટે અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી 3 દિવસીય દેશવ્યાપી બેંક હડતાલ છેલ્લી ઘડીએ મોકૂફ (ટાળી) રાખવામાં આવી છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે 27 સપ્ટેમ્બરે રાત્રે સાડા નવ વાગ્યે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. અગાઉ આ હડતાલને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની સુવિધા માટે રવિવારે પણ દેશની સરકારી બેંકો ખુલ્લી રાખવામાં આવી હતી.

શું અઠવાડિયામાં 5 દિવસીય બેંકિંગ (5-Day Work Week) ની માંગ સ્વીકારાઈ?

5-ડે વર્કિંગ પ્રથા લાગુ કરવાની માંગણીઓ વચ્ચે સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણા મંત્રાલયે 5 દિવસ કામ અને 2 દિવસ રજાના પ્રસ્તાવ પર કોઈ આખરી પ્રતિબદ્ધતા દર્શાવી નથી. તમામ શનિવારને રજા જાહેર કરવાની માંગ અંગે ગ્રાહકો અને તમામ હિતધારકોને સ્વીકાર્ય હોય તેવો વચગાળાનો માર્ગ શોધવા માટે IBA અને UFBU ની એક ખાસ ઉચ્ચ સ્તરીય કમિટી (High-Level Committee) ની રચના કરવાનો નિર્ણય લેવાયો છે.

મુખ્ય માંગણીઓ અને સમિતિની રચના

UFBU દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલર મુજબ મુખ્ય મુદ્દાઓ પર નીચે મુજબની સહમતિ બની છે:

PLI સ્કીમમાં સુધારો: સ્કેલ IV અને તેનાથી ઉપરના અધિકારીઓ માટેની પર્ફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પર યુનિયનો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા સંદર્ભે IBA સરકાર સમક્ષ સુધારાનો પ્રસ્તાવ મુકશે.

બાકી મુદ્દાઓનો નિકાલ: 8 માર્ચ 2024 ની બેઠકના મિનિટ્સમાં જે અન્ય મુદ્દાઓ બાકી રહી ગયા હતા, તેના પર પણ ઝડપથી નિરાકરણ લાવવા ચર્ચા હાથ ધરાશે.

"ગ્રાહકોને હેરાન કરવાનો હેતુ નથી": યુનિયન નેતા

યુનાઇટેડ ફોરમ ઓફ હિમાચલ પ્રદેશના કન્વીનર નરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, "અમારો ઈરાદો ગ્રાહકોને મુશ્કેલીમાં મૂકવાનો નથી. અમે બેંકિંગ સેવાઓનું મહત્વ સમજીએ છીએ. પરંતુ છેલ્લા સાડા બે વર્ષથી કરાર થયા હોવા છતાં અમારી વ્યાજબી માંગણીઓ લટકેલી હોવાથી અમારે વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હતો. હવે બેઠકમાં હકારાત્મક ચર્ચા થતાં આંદોલન અને હડતાલ મોકૂફ રાખવામાં આવે છે."