Business

ધનતેરસ પૂર્વે ધનવર્ષા શેરબજાર રૂ. 502 લાખ કરોડની ટોચે

By GS Team
6 Nov 20263 mins read
TukuTouch Logo
ટ્રમ્પને જાકારો મળતા વૈશ્વિક શાંતિની આશા સાથે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા છે. દિવાળી પૂર્વે મુંબઈ શેરબજારમાં રોકેટ ગતિ જોવા મળી. સેન્સેક્સ 2009 પોઈન્ટ ઉછળી 79310 અને નિફ્ટી 576 પોઈન્ટ વધીને 24537 થયો. વિદેશી ફંડોએ પાંચ દિવસમાં રૂ. 35,810 કરોડની ખરીદી કરી, જેનાથી રોકાણકારોની સંપત્તિ રૂ. 501.68 લાખ કરોડને પાર પહોંચી.

Summarized by AI; it may make mistakes. Check important info

ધનતેરસ પૂર્વે ધનવર્ષા શેરબજાર રૂ. 502 લાખ કરોડની ટોચે
  • ટ્રમ્પને જાકારાથી વિશ્વ શાંતિની અપેક્ષા, ક્રુડ ઓઈલના ભાવમાં કડાકો
  • શેરબજાર દિવાળી પહેલાં રોકેટ બન્યું : સેન્સેક્સ ૨૦૦૯ પોઈન્ટની છલાંગે ૭૯૩૧૦ : નિફટી સ્પોટ ૫૭૬ પોઈન્ટ ઉછળીને ૨૪૫૩૭
  • વિદેશી ફંડો માટે એલટીસીજી દૂર થવાની અપેક્ષાએ FII પાંચ દિવસમાં રૂ. ૩૫,૮૧૦ કરોડની ખરીદી કરી

મુંબઈ : વિશ્વ શાંતિની વાતો અને અમેરિકા ફર્સ્ટનો નારો આપનારા અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે શાસન સંભાળ્યા બાદ વિશ્વને યુદ્વના ખપ્પરમાં હોમતા અને ટેરિફનો આતંક ફેલાવતા અમેરિકનોએ જ મિડ-ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને જાકારો આપતાં વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે. અમેરિકન સેનેટ અને રિપબ્લિકન હાઉસમાં હવે ડેમોક્રેટનું વર્ચસ્વ વધતા ગુરુવારે વૈશ્વિક બજારોમાં હર્ષોલ્લાસ સાથે તેજીનું તોફાન આવ્યું હતું. ભારતીય શેર બજારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટાડા તરફી રહેલા શેરોના ભાવો ટૂંકાગાળામાં જ તીવ્ર વધી આવતાં અને ધનતેરસ પૂર્વે ગુરુવારે વિદેશી ફંડોએ શેરોમાં અઢળક ધનવર્ષા કરીને સંવત ૨૦૮૨ના અંતિમ દિવસોમાં ભારતીય રોકાણકારોના નિરાશ ચહેરા પર રોનક લાવી દીધી છે.
ફોરેન ફંડોએ આજે રૂ.૧૫,૦૦૦ કરોડ જેટલા શેરોની જંગી ખરીદી કરીને રોકાણકારોની એક્ત્રિત સંપત્તિના આંકને રૂ.૫૦૦ લાખ કરોડની સપાટી પાર કરાવી દીધી હતી. આ સાથે સેન્સેક્સ ૨૦૦૮.૬૧ પોઈન્ટ ઉછળીને ૭૯૩૧૦.૦૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સને ૫૭૬ પોઈન્ટના ઉછાળે ૨૪૫૩૬.૬૦ની સપાટીએ લાવી દીધા હતા. રોકાણકારોની સંપત્તિમાં આજે એક જ દિવસમાં રૂ.૮.૧૮ લાખ કરોડનો જંગી વધારો થતાં સંપત્તિનો આંક પ્રથમ વખત રૂ.૫૦૧.૬૮ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી ગયો હતો.
વિશ્વ હવે યુદ્વ અને જીઓપોલિટીકલ ટેન્શનની અનિશ્ચિતતા, અસ્થિરતાની પરિસ્થિતિમાંથી મુક્ત બનવાની વિશ્વની અપેક્ષાએ અને વિદેશી ફંડો માટે ભારતમાં લાલજાજમ બિછાવવાની મોદી સરકારની તૈયારીના ભાગરૂપ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (એલટીસીજી) નાબૂદ કરવાની ઘડી ગણાઈ રહી હોઈ આ સપ્તાહમાં ફોરેન ફંડોએ શેરોમાં સતત નેટ ખરીદદાર બનીને શેરો અસાધારણ તેજી કરી હતી.
ભારતીય શેર બજારોમાં ટૂંકાગાળામાં શેરોમાં મોટી તેજી જોવાઈ છે. છ દિવસની તેજીમાં સેન્સેક્સમાં ૬૦૬૩.૯૮ પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાયો છે. જ્યારે નિફટી-૫૦ ૧૮૩૭.૭૫ પોઈન્ટનો વધારો થયો છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ શેરોમાં પાંચ દિવસમાં રૂ.૩૫,૮૧૦ કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.
ટ્રમ્પ સરકારને પછડાટ અને તેમની ટેરિફ નીતિ અને યુદ્વના નિર્ણયોની ચોમેર અમેરિકામાં ટીકા થવા લાગતાં હવે ટ્રમ્પ સરકાર ટેરિફ રિવર્સલ કરે એવી શકયતાના અહેવાલોએ એડવાન્ટેજ ઈન્ડિયા બનવાની અપેક્ષાએ અને ક્રુડના ભાવમાં ગઈકાલે ૮થી ૯ ટકાનો કડાકો બોલાતાં ફંડોએ આજે ઓટોમોબાઈલ શેરોમાં આક્રમક ખરીદી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ સૌથી વધુ ૨૪૦૨.૫૨ પોઈન્ટ એટલે કે ૪.૧૩ ટકા ઉછળ્યો હતો. બેંકેક્સ પણ ૨૧૭૨.૦૩ પોઈન્ટ ૩.૪૫ ટકા, બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૬૦૫.૪૩ પોઈન્ટ ૨.૭૨ ટકા ઉછળ્યા હતા. મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, રિયાલ્ટી, એફએમસીજી, હેલ્થકેર શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી. અલબત કમિન્સ ઈન્ડિયા સહિતના નબળા પરિણામે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી આજે ૨૪ શેરોમાં તેજી રહી હતી. જેમાં સૌથી વધુ બજાજ ફાઈનાન્સ ૭.૭૭ ટકા, ઈન્ડિગો ૫.૮૦ ટકા, આઈસીઆઈસીઆઈ બેંક ૫.૨૯ ટકા, મારૂતી સુઝુકી ૫.૨૮ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૫.૧૫ ટકા ઉછળ્યા હતા. જ્યારે ૬ શેરો એનટીપીસી, ભારત ઈલેક્ટ્રોનિક, અદાણી પોર્ટસ, આઈટીસી લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ભારતી એરટેલ નેગેટીવ રહ્યા હતા. નિફટી ૫૦ શેરોમાંથી આજે ૩૯ શેરો પોઝિટીવ રહ્યા હતા. જ્યારે ૧૧ શેરો નેગેટીવ બંધ રહ્યા હતા. તોફાની તેજી સાથે સળંગ છઠ્ઠા દિવસે બજાર વધી આવતાં છેલ્લે શેરોમાં ઉછાળે કેટલાક લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મોટી વેચવાલી થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે કેશમાં રૂ.૧૪,૯૭૫ કરોડના શેરોની નેટ ખરીદી રહી હતી. જ્યારે લોકલ ફંડોની રૂ.૧૦,૪૪૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.

અમેરિકી શેર બજારોમાં કડાકો : નાસ્ડેક ૧૧૬૯, ડાઉ જોન્સ ૧૩૪૨ પોઈન્ટ તૂટયા

મોડી સાંજે અમેરિકી શેર બજારોમાં આજે કડાકો બોલાયો હતો.
ચાલુ બજારે અમેરિકામાં ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૧૩૪૨ પોઈન્ટનો ઘટાડો અને નાસ્ડેક ઈન્ડેક્સ ૧૧૬૯ પોઈન્ટનો કડાકો બતાવતા હતા. આ પૂર્વે એશિયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૧૧૧૧ પોઈન્ટ તૂટયો હતો. તાઈવાન વેઈટેજ ૧૩૭૪ પોઈન્ટ, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩૦૦ પોઈન્ટ તૂટયા હતા. જો કે યુરોપના બજારોમાં સુધારો રહ્યો હતો.

FII/FPISની પાંચ દિવસમાં રૂ.૩૫,૮૧૦ કરોડની ખરીદી

તારીખ
ચોખ્ખી ખરીદી(રૂ.કરોડમાં)
૩૦,ઓકટો
રૂ.૩૫૯૯
૨,નવેમ્બર
રૂ.૩૧૧૫
૩, નવેમ્બર
રૂ.૬૮૩૭
૪,નવેમ્બર
રૂ.૭૨૮૪
૫,નવેમ્બર
રૂ.૧૪,૯૭૫