Get The App

ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું

STTમાં વધારો અને કડક નિયમોથી ઇક્વિટી ટ્રેડિંગ પ્રવૃત્તિમાં નોંધપાત્ર ફેરફાર

- રિઝર્વ બેંકના કેપિટલ એક્સપોઝર નિયમો ત્રણ મહિના માટે મુલતવી છતાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પર તેની અસર

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું 1 - image

મુંબઈ : સમાપ્ત થયેલા એપ્રિલમાં દેશની ઈક્વિટી માર્કેટમાં કેશ તથા ડેરિવેટિવ્સ વેપારમાં વિરોધાભાષી સ્થિતિ જોવા મળી હતી. કેશ વેપારના ટર્નઓવરમાં માસિક ધોરણે સાત ટકા વધારો જોવા મળ્યો હતો જ્યારે ડેરિવેટિવ્સના વેપારમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં ૬ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ૧લી એપ્રિલથી સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી)માં વધારો લાગુ થવાને પરિણામે ડેરિવેટિવ્સના ટર્નઓવર પર અસર જોવા મળી છે.

૧લી એપ્રિલથી ફ્યુચર્સના વેપાર પર એસટીટી ૦.૦૨ ટકા પરથી વધારી ૦.૦૫ ટકા કરાયો છે. જ્યારે ઓપ્શનમાં આ આંક ૦.૧૦ ટકાથી પરથી વધારી ૦.૧૫ ટકા કરાયો છે. 

બીએસઈ તથા એનએસઈ પર કેશ સેગમેન્ટમાં સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર ગત મહિને રૂપિયા ૧.૪૪ લાખ કરોડ રહ્યું હતું જે બે વર્ષની ઊંચી સપાટીએ હતું. એપ્રિલમાં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં પણ એક વર્ષનો સૌથી વધુ વધારો જોવાયો હતો. ડેરિવેટિવ્સમાં સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૪૮૫.૯૮ લાખ કરોડ  રહ્યું હતું જે માર્ચમાં ૫૧૬.૪૧ લાખ કરોડ  જોવા મળ્યું હતું.

બજારની સારી કામગીરીને કારણે કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં વધારો જોવા મળ્યો હતો. એપ્રિલમાં લાર્જ તથા મિડકેપ સ્ટોકસની લાંબા સમય બાદ સારી કામગીરી રહી હતી. યુદ્ધને કારણે માર્ચમાં ઈક્વિટીસ માર્કેટમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. 

એસટીટીમાં વધારા ઉપરાંત રિઝર્વ ેબેન્ક દ્વારા બ્રોકરો માટે ફન્ડિંગના ધોરણોને સખત બનાવવાના નિર્ણયે પણ વેપાર માટેનું માનસ ખરડાયું હતું. જો કે રિઝર્વ બેન્કે આ નિર્ણય ત્રણ મહિના માટે મોકૂફ રાખ્યો છે. 

ડેરિવેટિવ્સ માર્કેટમાં એકંદર વેપારમાં બીએસઈનો હિસ્સો વધી એપ્રિલમાં પ્રથમ જ વખત ૫૦ ટકાને પાર કરી ગયો છે.

એપ્રિલ ૨૦૨૫માં કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૧.૦૬ ટ્રિલિયન રહ્યું હતું જ્યારે ડેરિવેટિવ્સમાં આ આંક રૂપિયા ૩૬૮.૨૧ ટ્રિલિયન રહ્યો હતો. 

રિઝર્વ બેન્કના સખત ધોરણને જોતા આગળ જતા ડેરિવેટિવ્સ સેગમેન્ટના ટર્નઓવર પર અસર પડવાની શકયતા નકારાતી નથી. એસટીટીમાં વધારા ઉપરાંત ફન્ડિંગ ધોરણોમાં સખતાઈથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી પીછેહઠ કરી રહ્યા છે.