ડયૂટી ફ્રી ખાંડની આયાત માટેની મુદત બે મહિના લંબાવી 31 ડિસેમ્બર સુધી કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સરકારની છૂટ છતાં સાકરની આયાત કરવામાં ટ્રેડરો ઉદાસીન
મુંબઈ : ડયૂટી ફ્રી ખાંડની આયાત માટેની મુદત બે મહિના લંબાવીને ૩૧ ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. દેશમાં તહેવારો દરમિયાન ખાંડનો પૂરવઠો જાળવી રાખવા અને ભાવને અંકૂશમાં લેવા સરકારે દસ લાખ ટન ખાંડની ડયૂટી ફ્રી આયાતની છૂટ આપી છે.
આ છૂટ વીસ ઓગસ્ટના જારી કરાયેલા એક નોટિફિકેશન મારફત અપાઈ હતી અને તેની મુદત ૩૧ ઓકટોબરના સમાપ્ત થઈ રહી હતી.
સરકારની આ છૂટ છતાં સદર સ્કીમ હેઠળ માત્ર ત્રણ લાખ ટન ખાંડ જ આયાત થઈ હોવાનું જણાતા મુદત લંબાવવાનો નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં આવે છે.
છેલ્લા દસ દિવસમાં ઘરઆંગણે ખાંડના ક્વિન્ટલ દીઠ ભાવમાં રૂપિયા ૧૦૦૦નો વધારો થયો છે.
ઘરઆંગણે ખાંડના ભાવ અંકૂશમાં રાખવા સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાંને પરિણામે ભાવ હાલમાં નીચે ગયા છે. આવી સ્થિતિમાં ટ્રેડરોને ખાંડની આયાત કરવાનું વ્યવહારુ જણાતું નથી કારણ કે આયાતી ખાંડ મોંઘી પડી શકે છે.
૨૦૨૬-૨૭ની ઓકટોબરથી સપ્ટેમ્બરની ખાંડ મોસમ માં ભારતમાં ં ઉત્પાદન ત્રણથી ચાર લાખ ટન નીચુ રહેવાની શકયતા છે. મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં પાછોતરો વરસાદ સામાન્ય કરતા નીચો રહ્યો છેજેને પરિણામે જળાશયોમાંથી શેરડીના પાકને પાણી પૂરવઠો મર્યાદિત જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન વર્ષમાં અલ નિનોને કારણે શેરડીના ઉત્પાદન પર અસરને ધ્યાનમાં રાખી સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોને ખાંડમાંથી ઉત્પાદિત થયેલા ઈથેનોલ ખરીદવા માટે ટેન્ડર જારી કરવાથી દૂર રહેવા સૂચના આપી છે.
શેરડીના નીચા ઉત્પાદનની સીધી અસર ખાંડ ઉત્પાદન પર પડે છે એ હકીકતને ધ્યાનમાં રાખી સરકારનો આ નિર્દેશ આવી પડયો છે.
શક્તિશાળી અલ નિનોને કારણે વર્તમાન વર્ષનું ચોમાસુ દાયકાનું સૌથી નબળું રહ્યું છે જેને પરિણામે વિશ્વમાં ખાંડના બીજા મોટા ઉત્પાદક ભારતમાં શેરડીનો પાક ઓછો ઊતરવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. નવી મોસમમાં પિલાણ માટે શેરડીની ઉપલબ્ધતા નીચી રહેવાની શકયતા છે.દેશમાં ક્રુડ તેલની આયાત નિર્ભરતા ઘટાડવા ઈથેનોલ મિકસ પેટ્રોલની વેચાણ યોજનામાં ભારત આક્રમક રીતે આગળ વધી રહ્યું છે.




