મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળા ઊભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોનું સેલીંગ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરી બજારોમાં આજે વધ્યા મથાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જે બુધવારે રૂ.૩૦૦૦ વધ્યા હતા તે આજે રૂ.૧૦૦૦ ઘટયા હતા જયારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૮૦૦૦ વધ્યા હતા તે આજે રૂ.૭૦૦૦ તૂટયા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે ઔંસના ૪૭૯૦ વાળા ઘટી નીચામાં ભાવ ૪૬૯૮ થઈ ૪૭૪૩થી ૪૭૪૪ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ૭૬.૭૫ વાળા નીચામાં ભાવ ૭૨.૮૯ થઈ ૭૪.૨૨થી ૭૪.૨૩ ડોલર રહ્યા હતા.
દરમિયાન, યુદ્ધ વિરામ છતાં ઈઝરાયલે લેબેનોન પર હુમલાઓ ચાલુ રાખતાં વિશ્વ બજારમાં આના પગલે અજંપો વધ્યાના વાવડ મળ્યા હતા. આના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી ઉછળતા જોવા મળ્યા હતા. ક્રૂડના ભાવ ૧૭થી ૧૮ ટકા તૂટયા પછી ૪થી ૫ ટકા વધી આવ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના ઘટી રૂ.૧૫૪૨૦૦ તથા ૯૯૯ના ઘટી રૂ.૧૫૪૫૦૦ તથા અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઘટી રૂ.૨૩૩૦૦૦ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૨૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૮૦૦૦ તૂટયા હતા. મુંબઈ બજારમાં સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૮૯૩૭ થઈ રૂ.૧૪૯૩૩૭ તથા ૯૯૯ના ભાવ ઘટી રૂ.૧૪૯૫૩૬ થઈ રૂ.૧૪૯૯૩૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર નીચામાં રૂ.૨૩૫૪૭૫ થઈ રૂ.૨૩૬૧૫૮ રહ્યા હતા.
વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૯૧.૯૧ ડોલર થયા હતા તે ફરી વધી ૯૮.૮૩ થઈ ૯૮.૩૦ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૨.૫૪ વાળા વધી ૯૯.૬૯ થઈ ૯૯.૨૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૦૪૪ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૫૬૧ ડોેલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૭ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ રૂ.૬૪૭૫૩ના મથાળે બંધ રહ્યા હતા.


