Get The App

ક્રૂડમાં ભાવવધારો ભારતના આયાત બિલમાં પણ વધારો કરશે

- ક્રૂડ ૧૨૦ ડોલર સુધી વધશે તો ભારતની તેલ વેપાર ખાધ ૨૨૦ બિલિયન ડોલર સુધી વધી શકે

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ક્રૂડમાં ભાવવધારો ભારતના આયાત બિલમાં પણ વધારો કરશે 1 - image

અમદાવાદ : વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને પુરવઠામાં વિક્ષેપથી ભારતના ઉર્જા આયાત બિલમાં વધારો થવાનો ભય છે. પશ્ચિમ એશિયાઈ સંઘર્ષ તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ્યો છે, અને આ તણાવ ટૂંક સમયમાં ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી.

ભારત સાઉદી અરેબિયા, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને કતાર જેવા મુખ્ય ગલ્ફ સપ્લાયર્સ પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ, લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) ખરીદે છે. અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓના જવાબમાં ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે, જેના કારણે આ દેશોમાંથી ભારતને એલએનજી  અને એલપીજી સપ્લાય ખોરવાઈ ગયો છે.

ભારત તેના ૪૦ ટકા ક્રૂડ ઓઇલ, ૯૦ ટકા એલપીજી અને ૫૦ ટકા એલએનજી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આયાત કરે છે. હોર્મુઝ સ્ટ્રેટ ઇરાન અને ઓમાન વચ્ચે આવેલું છે. તેથી, આ ક્ષેત્રમાં તણાવ દેશના તેલ પુરવઠાને નોંધપાત્ર રીતે જોખમમાં મૂકે છે અને આ મહત્વપૂર્ણ ઉર્જા પુરવઠાને વિક્ષેપિત કરી શકે છે. 

વધુમાં, વધતી ઉર્જા કિંમતો દેશના આયાત બિલમાં વધુ વધારો કરે છે. આનું કારણ એ છે કે ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોના લગભગ ૯૦ ટકા, તેની એલપીજી માંગના ૬૦ ટકા અને તેની લગભગ અડધા એલએનજી જરૂરિયાતો માટે વિદેશી પુરવઠા પર આધાર રાખે છે.

એસએન્ડપી ગ્લોબલ એનર્જીએ જણાવ્યું હતું કે, એશિયન બજારમાં દબાણના સંકેતો દેખાઈ રહ્યા છે. ૨૦૨૫માં, એશિયામાં પ્રોસેસ થતા ક્રૂડ ઓઇલનો અડધો ભાગ મધ્ય પૂર્વ ગલ્ફ પ્રદેશમાંથી આવ્યો હતો. પરંતુ આ અસર ફેલાઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ જેટલો લાંબો સમય બંધ રહેશે, પુરવઠા, ઇન્વેન્ટરી અને કિંમતો પર એટલી જ ખરાબ અસર થશે. આ અસર ફક્ત એશિયા પૂરતી મર્યાદિત રહેશે નહીં.

નિષ્ણાતોના મતે, જો નાણાકીય વર્ષ ૨૦૨૭માં સરેરાશ વૈશ્વિક ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૧૦-૧૧૫ પર રહેશે, તો ભારતનું ચોખ્ખું તેલ આયાત બિલ વાર્ષિક ૫૬-૬૪ બિલિયન ડોલર વધી શકે છે.

અર્થશાીઓએ જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઇલના ભાવમાં દરેક ૧૦ ડોલર પ્રતિ બેરલનો વધારો ચોખ્ખી તેલ આયાતમાં ૧૪ થી ૧૬ બિલિયનનો વધારો કરે છે. જો નાણાકીય વર્ષ ૨૦૨૭માં તેલના ભાવ સરેરાશ ૧૧૦-૧૧૫ ડોલરપ્રતિ બેરલનો વધારો કરે છે, તો ચોખ્ખી તેલ આયાત આશરે ૫૬-૬૪ બિલિયન ડોલરનો વધારો થશે.