Get The App

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે 'ડીલ' બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે 'ડીલ' બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો 1 - image

Crude Oil Price : અમેરિકા અને ઇરાન વચ્ચે લાંબા સમય બાદ આખરે એક વ્યાપક શાંતિ સમજૂતી પર સહમતિ સધાઈ ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઐતિહાસિક ડીલની જાહેરાત કરવાની સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ પરથી અમેરિકન નૌસેનાની ઘેરાબંધી અને નાકાબંધી હટાવવાની મંજૂરી આપી દીધી છે. દુનિયા માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતો આ દરિયાઈ રૂટ ફરીથી ખૂલવાના સમાચાર આવતાની સાથે જ સોમવારે શરૂઆતી કારોબારમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ ક્રેશ થઈ ગયા છે.

સમાચાર આવતા જ ક્રૂડ ઓઇલ કેટલું સસ્તું થયું?

અમેરિકા-ઇરાન શાંતિ કરાર પર મહોર વાગતાની સાથે જ ક્રૂડ ઓઇલના વાયદા બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે:

બ્રેન્ટ ક્રૂડ (Brent Crude Futures): સોમવારે શરૂઆતી ટ્રેડિંગમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 4% જેટલો ગગડીને 83 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

WTI ક્રૂડ (WTI Crude Price): અમેરિકા વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડના ભાવમાં 4.6% થી વધુનો મોટો કડાકો બોલાયો છે અને તે 80 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો છે.

મુરબાન ક્રૂડ (Murban Crude): આ સિવાય મુરબાન ક્રૂડ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં 83 ડોલર પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર શું લખ્યું?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર આ ડીલ અંગે ખુશી વ્યક્ત કરતા લખ્યું કે: "ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન સાથેની ડીલ હવે સંપૂર્ણ રીતે પાકી થઈ ગઈ છે, સૌને ખૂબ-ખૂબ અભિનંદન! હું આ કરાર દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને કોઈપણ રોકટોક વગર ટોલ-ફ્રી ખોલવાની અને સાથે જ અમેરિકન નૌસેનાની નાકેબંધી તાત્કાલિક હટાવવાની મંજૂરી આપું છું. દુનિયાભરના જહાજો, પોતાના એન્જિન સ્ટાર્ટ કરો અને તેલની સપ્લાય શરૂ થવા દો!"

મોંઘવારીથી પીડાતી દુનિયા માટે કેમ આ મોટી રાહત છે?

ઉલ્લેખનીય છે કે, વીતેલા મહિનાઓમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે શરૂ થયેલી ભયાનક જંગને કારણે ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ રૂટ બંધ થવાથી દુનિયાભરમાં તેલ અને ગેસનું ભારે સંકટ ઊભું થયું હતું.

લાંબા સમય સુધી ક્રૂડ ઓઇલનો ભાવ 100 થી 115 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહ્યો હતો, જેના કારણે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં પેટ્રોલ-ડીઝલથી લઈને એલપીજી (LPG) ના ભાવ આસમાને પહોંચ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તેલનો ભાવ 90 ડોલરની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો, પણ હવે હોર્મુઝ ફરી ખુલવાને કારણે સપ્લાય ચેઈન સુચારુ થશે. નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઇલમાં આવેલા આ મોટા ઘટાડાથી આગામી દિવસોમાં સામાન્ય જનતાને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG) ના ભાવમાં મોટી રાહત મળી શકે છે.