મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ ઝડપી તૂટયા હતા પરંતુ ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર ઉછળતાં તથા રૂપિયો ગબડતાં સોના-ચાંદીના ભાવ પર આજે મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. દરમિયાન, ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધમાં શાંતિની મંત્રણા નિષ્ફળ નિવડતાં તથા ફરી યુદ્ધના ભણકારા શરૂ થતાં તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વિશ્વ બજારમાં આ જે સોનામાં ફંડોની વેચવાલી વધ્યાના વાવડ હતા.
વૈશ્વિક સોોનાના ભાવ ઔંસના ૪૭૪૯થી ૪૭૫૦થી ઘટી નીચામાં ભાવ ૪૬૪૪ થઈ ૪૭૧૯થી ૪૭૨૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૭૫.૮૮ વાળા ઘટી નીટામાં ભાવ ૭૨.૬૩ થઈ ૭૪.૨૬થી ૭૪.૨૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઝડપી ઉછળી બેરલના ૧૦૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૧૦૫.૬૩ ડોલર સુધી ઉછળી ૧૦૪.૧૭ ડોલર યુએસ ક્રૂડના રહ્યા હતા. જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૩.૮૭ થઈ ૧૦૨.૩૨ ડોલર રહ્યા હતા.
ક્રૂડના ભાવ આજે ૭થી ૮ ટકા ઉછળ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધમાં ફરી તણાવ વધતાં આવા માહોલમાં આગળ ઉપર જો તણાવ વધશે તો ક્રૂડના ભાવ ઉછળી ઉંચામાં ૧૪૦થી ૧૫૦ ડોલર સુધી પહોંચવાની ભીતિ વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૮૦૦ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ વધ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૪૦૦ વધ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૫૦૦૦ તૂટયા હતા.
અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ રૂ.૨૪૦૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૩૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૪૨૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૪૯૪૧૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૦૧૧ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૬૯૮૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૫૭૭૦ વાળા રૂ.૬૭૧૮૦ ખુલી રૂ.૬૬૬૩૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૦૪૮ વાળા ૧૯૯૪ થઈ ૨૦૨૮થી ૨૦૨૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૫૨૬ વાળા નીચામાં ભાવ ૧૪૭૮ તથા ઉંચામાં ભાવ ૧૫૪૩ થઈ ૧૫૨૭થી ૧૫૨૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૮ ટકા માઈનસમાં રહ્યા હતા.


