Business

ક્રુડની આગ : સેન્સેક્સમાં ૧૦૪૫, નિફટીમાં ૩૭૧ પોઈન્ટનું ગાબડું

By GS Team
9 Oct 20264 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં FPIs/FIIની રૂ. 12,944 કરોડની ચોખ્ખી વેચવાલી અને RBIની આકરી ધિરાણ નીતિને કારણે રોકાણકારોના રૂ. 10 લાખ કરોડ ધોવાઈ ગયા. ક્રૂડ ઓઈલના ભાવ 105 ડોલર અને રૂપિયો 97ની સપાટી તોડી નવા તળિયે પહોંચતા સેન્સેક્સ 1045.46 પોઈન્ટ અને નિફ્ટી 371.25 પોઈન્ટ ગગડ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રુડની આગ : સેન્સેક્સમાં ૧૦૪૫, નિફટીમાં ૩૭૧ પોઈન્ટનું ગાબડું

રિઝવ બેંકની આકરી ધિરાણ નીતિ, રૂપિયાનું ધોવાણ, વિદેશી રોકાણકારોની વેચવાલીની અસર
શેરોમાં સાર્વત્રિક ધબડકો : FPIs/FIIની કેશમાં રૂ.૧૨,૯૪૪ કરોડની ચોખ્ખી વેચવાલી : સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં બોલેલા વ્યાપક કડાકા
મુંબઈ : ઈરાન સમર્થિત હુથીઓ દ્વારાસાઉદી મથકો પર હુમલાના અહેવાલ વચ્ચે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની આગ ભભૂકી ઉઠવા સાથે મોંઘવારીનો દાનવ વૈશ્વિક અર્થતંત્રને ઘરી વળ્યો હોઈ ભારત સહિતના દેશોની હાલત કફોડી બનવાનું નિશ્ચિત દેખાતાં અને બીજી તરફ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ તૂટીને ૯૭ની સપાટી તોડી નવા ઐતિહાસિક તળીયે આવી જતાં મોટી આફતના એંધાણને લઈ આજે વૈશ્વિક બજારોથી વિશેષ ભારતીય શેર બજારોમાં શેરોમાં સર્વત્ર સ્વાહા જેવી સ્થિતિ સર્જાઈ હતી. રોકાણકારોના એક દિવસમાં જ શેરોમાં રૂ.૧૦ લાખ કરોડ હોમાઈ ગયા હતા. તહેવારોની સીઝન સમયે જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગઈકાલે રેપો રેટમાં વધારો કરીને તમામ પ્રકારની લોનો મોંઘી કરવાનો માર્ગ મોકળો કરાતાં અને બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવ આજે વિશ્વ બજારમાં વધીને ૧૦૫ ડોલરની સપાટી પાર કરી જતાં અને હવે રૂપિયો પણ ૯૭ની સપાટી તોડી નવા તળીયે આવી જવાની સાથે ચોમાસું નબળું રહેતાં દુષ્કાળના સ્પષ્ટ સંકેતે ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ સપ્તાહના બે દિવસની તેજીનો ઓથ વાળી દઈ આજે શેરોમાં મહાકડાકો બોલાવી દીધો હતો. કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ, બેંકિંગ, એફએમસીજી, હેલ્થકેર શેરોમાં મોટા ગાબડાં પડયા હતા. સેન્સેક્સ એક તબક્કે ૧૩૧૦.૯૫ પોઈન્ટના કડાકે નીચામાં ૭૧૩૨૭.૭૫ સુધી ખાબકી અંતે ૧૦૪૫.૪૬ પોઈન્ટ ગબડીને ૭૧૫૯૩.૨૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ નીચામાં ૨૨૧૭૯.૯૦ સુધી ખાબકી અંતે ૩૭૧.૨૫ પોઈન્ટ ગબડીને ૨૨૨૩૧.૮૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૨૭૩ પોઈન્ટ તૂટયો
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે અંધાધૂંધ વેચવાલી થતાં વ્યાપક ગાબડાં પડયા હતા. ભેલ રૂ.૧૮.૪૦ તૂટીને રૂ.૪૩૦.૫૦, એબીબી ઈન્ડિયા રૂ.૨૪૫ તૂટીને રૂ.૬૭૭૦, ટીમકેન રૂ.૧૦૯.૨૦ ઘટીને રૂ.૩૦૨૪, કિર્લોસ્કર એન્જિન રૂ.૭૭.૦૫ ઘટીને રૂ.૨૧૫૩.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૨૭૩.૦૮ પોઈન્ટ તૂટીને ૭૨૯૫૩.૮૨ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ગબડયો
મેટલ-માઈનીંગ શેરોમાં સતત ફંડોએ હેમરિંગ કરતાં આજે મોટા ગાબડાં પડયા હતા. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫૦.૬૫ તૂટીને રૂ.૧૧૭૬.૪૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૯.૬૦ તૂટીને રૂ.૫૩૨, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૪.૪૦ ઘટીને રૂ.૭૦૭.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૨૯૮.૬૦ પોઈન્ટ ગબડીને ૩૭૬૨૩.૯૭ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં ધબડકો
આજે ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં સાર્વત્રિક ધબડકો બોલાવી દીધો હતો. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૦.૫૫ તૂટીને રૂ.૨૭૩.૨૫, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૧૫.૨૫ તૂટીને રૂ.૪૧૨.૯૦, અશોક લેલેન્ડ રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૪૫.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૧૩૧.૧૦ તૂટીને રૂ.૪૮૬૦, મારૂતી સુઝુકી રૂ.૨૬૭.૬૫ તૂટીને રૂ.૧૧,૨૨૨.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૭૨.૩૭ પોઈન્ટ ગબડીને ૫૪૬૮૯.૧૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ તૂટયો
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ આજે ઓલ રાઉન્ડ ફંડોએ વેચવાલી કરતાં મોટા ગાબડાં પડયા હતા. સુવેન રૂ.૧૭.૧૫ ઘટીને રૂ.૨૮૮.૬૦, વોક્હાર્ટ રૂ.૧૧૭.૬૫ તૂટીને રૂ.૨૦૩૧.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૨૩૪.૪૭ પોઈન્ટ તૂટીને ૪૮૫૦૬.૯૯ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરો તૂટયા
ફંડોની એફએમસીજી શેરોમાં પણ નવેસરથી મોટી વેચવાલી નીકળી હતી. આઈટીસી રૂ.૧૧.૨.૫ તૂટીને રૂ.૨૫૪.૦૫, દાલમિયા સુગર રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૪૨૯.૦૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૪૦ પોઈન્ટ ગબડીને ૧૬૭૧૮.૪૪ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં તૂટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટના સાંજે ૧૦૫ ડોલરની સપાટી કુદાવી ૧૦૫.૩૦ ડોલર થઈ જતાં અને નાયમેક્ષ ૯૪ ડોલર નજીક પહોંચી જતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં મોટાપાયે વેચવાલી થઈ હતી. એચપીસીએલ રૂ.૧૪.૮૫ તૂટીને રૂ.૩૨૮.૨૦, બીપીસીએલ રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૨૮૬.૭૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૧૨૬.૦૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૩૫ ઘટીને રૂ.૧૧૭૭.૩૦ રહ્યા હતા.
બેંક શેરોમાં પીછેહટ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. એયુ સ્મોલ બેંક રૂ.૧૭ ઘટીને રૂ.૯૭૭, એચડીએફસી બેંક રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૬૯૨.૬૦, કેનેરા બેંક રૂ.૧.૮૦ ઘટીને રૂ.૧૧૭.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૨.૧૫ ઘટીને રૂ.૯૪૦.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૧૮.૧૫ પોઈન્ટ ઘટીને ૬૧૫૪૨.૩૪ બંધ રહ્યો હતો.
પ્રોપર્ટી શેરોમાં ફરી કડાકો
ફંડોની આજે પ્રોપર્ટી-રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ મોટી વેચવાલી થઈ હતી.
ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૪૫ ઘટીને રૂ.૧૫૩૫, આદિત્ય બિરલા રિયાલ્ટી રૂ.૩૪.૬૦ ઘટીને રૂ.૧૦૧૫.૩૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૯૭.૨૪ પોઈન્ટ ઘટીને ૬૨૩૨.૧૦ બંધ રહ્યો હતો.
DIIની રૂ.૧૦,૭૦૩ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૨,૯૪૩.૫૮કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૦,૭૦૩.૧૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
રોકાણકારોની સંપતિમાં ધોવાણ
શેરોમાં આજે સાર્વત્રિક ધૂમ વેચવાલી થતાં અનેક શેરોના ભાવો તૂટતા રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧૦.૦૧ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૦.૯૭ લાખ કરોડ રહ્યું હતું.
વોલેટીલિટી ઈન્ડેક્સ ૧૦% ઉછળીને ૧૫.૩૩
વૈશ્વિક અનેક નેગેટીવ પરિબળો પૈકી ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ ૧૦૫ ડોલર પાર થઈ જવા અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ઈન્ટ્રા-ડે ૯૭ની સપાટી પાર કરી નવા તળીયે ઊતરી જવા સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ શેરોમાં જંગી વેચવાલી કરવાના પરિણામે આજે ભારતીય શેર બજારોમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે ઈન્ડિયા વોલેટીલિટી ઈન્ડેક્સ વીઆઈએક્સ પણ ૧૦.૩૭ ટકા એટલે કે ૧.૩૮ પોઈન્ટ જેટલો ઉછળીને ૧૫.૩૩ની સપાટીએ પહોંચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાં અને ગલ્ફમાં ઓઈલ ટેન્કરો પર હુથીઓ દ્વારા હુમલા કરવામાં આવતાં ઓઈલનો પુરવઠો અટકવાના અહેવાલ અને અમેરિકાના ક્રુડ ઉત્પાદન કાપને લઈ વિશ્વ બજારમાં ક્રુડના ભાવ બ્રેન્ટના ૧૦૫.૩૦ ડોલર જેટલા પહોંચી જવાની નેગેટીવ અસર શેરોમાં જોવાઈ હતી. આ સાથે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો થતાં અને દુકાળના જોખમે મોંઘવારી બેફામ બનવા લાગ્યાના અહેવાલોએ પણે સેન્ટીમેન્ટ ડહોળાઈ શેરોમાં અસાધારણ કડાકો બોલાઈ ગયો હતો.