Get The App

ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં ઘટાડો

- રિઝર્વ બેંકના નિયમનકારી ધોરણો સખત બનતા નવા કાર્ડસ જારી કરવાની માત્રા ધીમી પડી

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં ઘટાડો 1 - image

મુંબઈ : ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં ૨.૦૫ ટ્રિલિયનની સરખામણીએ જાન્યુઆરીમાં  ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચનો આંક રૂપિયા  બે ટ્રિલિયન રહ્યો છે.

વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વાર્ષિક ધોરણે આઠ ટકા ઊંચો રહ્યો છે. ડિસેમ્બરમાં ૧૧.૫૭ કરોડની સરખામણીએ ક્રેડિટ કાર્ડસની સંખ્યા જાન્યુઆરીમાં વધી ૧૧.૬૬ કરોડ રહી છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે.

જાન્યુઆરીમાં પોઈન્ટ ઓફ સેલ ખાતે કાર્ડસ મારફતનો ખર્ચ ડિસેમ્બરની સરખામણીએ ૩.૧૭ ટકા ઘટી રૂપિયા ૭.૫૯ ટ્રિલિયન રહ્યો છે. ઈ-કોમર્સ પર પણ કાર્ડસ મારફતનો ખર્ચ ૨.૪૫ ટકા ઘટી રૂપિયા ૧૨.૩૦ ટ્રિલિયન રહ્યો છે.

નવેમ્બર-ડિસેમ્બરમાં તહેવારોની મોસમ સમાપ્ત થયા બાદ જાન્યુઆરીમાં સામાન્ય રીતે ઉપભોગ ખર્ચમાં ઘટાડો થતો હોય છે. 

રિઝર્વ બેન્ક દ્વારા એનસિકયોર્ડ ધિરાણ ધોરણો સખત બનાવાતા કાર્ડસનો ઉમેરો પણ મંદ પડયો છે. બેન્કો કવોલિટી પર વધુ ધ્યાન આપવા લાગતા તેમના દ્વારા કાર્ડસ જારી કરવાની ગતિ ધીમી પડી છે.

વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ વધી રૂપિયા ૧૯.૬૪ ટ્રિલિયન રહ્યો છે જે ગયા નાણાં વર્ષના સમાનગાળામાં રૂપિયા ૧૭.૪૦ ટ્રિલિયન રહ્યો હતો.

જો કે કાર્ડસનો ઉમેરો ધીમો પડયો છે.  એપ્રિલથી જાન્યુઆરી, ૨૦૨૪-૨૫માં ૭૦.૭૦ લાખની સામે એપ્રિલથી જાન્યુઆરી, ૨૦૨૫-૨૬માં કાર્ડસનો ઉમેરો ધીમો પડી ૬૭.૭૦ લાખ રહ્યો હોવાનું પણ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.

કાર્ડસ જારી કરતી બેન્કોએ રિઝર્વ બેન્કના નિયમનકારી ધોરણોને કારણે પ્રીમિયમ ગ્રાહકોને જ કાર્ડ જારી કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આને પરિણામે કાર્ડસ જારી કરવાની માત્રા ધીમી રહી હતી.