Business

કોપર સ્ક્રેપ પરની 2.50 ટકા કન્સેશનલ કસ્ટમ ડયૂટી નાબુદ કરવા વિચારણા

By GS Team
16 Jan 20252 mins read
This article was originally published on 16 Jan 2025
કોપર સ્ક્રેપ પરની 2.50 ટકા કન્સેશનલ  કસ્ટમ ડયૂટી નાબુદ કરવા વિચારણા

મુંબઈ : આગામી બજેટમાં  કોપર સ્ક્રેપ પરની ૨.૫૦ ટકાની કન્સેશનલ બેઝિક કસ્ટમ ડયૂટી નાબુદ કરવા કેન્દ્ર સરકાર વિચારી રહી છે. આ પગલાને કારણે ઘરઆંગણેના એકમોને રાહત થશે એમ ઉદ્યોગના સુત્રો મત ધરાવી રહ્યા છે.

આ અગાઉ દર પાંચ ટકા પરથી ઘટાડી અઢી ટકા કરાયો હતો, હવે આ ડયૂટી સંપર્ણ રીતે નાબુદ કરવા નાણાં મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ સાત મહિનામાં કોપર સ્ક્રેપની આયાત ૩૩.૪૨ ટકા વધી રૂપિયા ૧૧૪૭૬.૭૬ કરોડ રહી હતી. આ સમયગાળામાં સૌથી વધુ આયાત સાઉદી અરેબિયા ખાતેથી થઈ હતી. સાઉદીએ ભારત ખાતે રૂપિયા ૨૨૦૮.૪૩ કરોડની નિકાસ કરી હતી. 

નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં ડયૂટી ઘટાડી ૨.૫૦ ટકા કરાઈ હતી. વર્તમાન નાણાં વર્ષ માટેના બજેટમાં લિથિયમ જેવા મહત્વના મિનરલ્સ પરની આવા પ્રકારની ડયૂટી સંપૂર્ણ રીતે નાબુદ કરવામાં આવી હતી. 

પાયાના રો મટેરિઅલ સસ્તામાં ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે આ ડયૂટી કાઢી નાખવામાં આવી હતી. જો કે ભારતમાં કોપરને મહત્વના મિનરલ્સ તરીકે વર્ગીકૃત કરાયું નહીં હોવાથી વિવિધ ઉદ્યોગોમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે જેને પરિણામે તેના ભાવમાં વધારો થયો છે. 

ઘરઆંગણે વીજ વાહનોના ઉત્પાદનમાં વધારો તથા ઈલેકટ્રોનિક સાધનોના વ્યાપક ઉત્પાદનને કારણે કોપરની માગમાં ઉછાળો આવ્યો છે. 

કસ્ટમ્સ ડયૂટીમાં રાહત મળશે તો, રિસાયકલિંગની આધુનિક ટેકનોલોજીમાં ઉદ્યોગ ઈન્વેસ્ટમેન્ટ વધારી શકશે જેેથી રિસાયકલ કરાયેલા કોપરની કવોલિટીમાં સુધારો જોવા મળશે એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.