AI Image |
Donald Trump and Tariff News : અમેરિકામાં આયાત શુલ્ક (ટેરિફ) ને લઈને ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અને સરકારી વિભાગોના અમલીકરણ વચ્ચેના તફાવતને કારણે વોશિંગ્ટનમાં વહીવટી ગૂંચવણ ઊભી થઈ છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી રહી છે.
કસ્ટમ વિભાગ અને વ્હાઇટ હાઉસ વચ્ચે દ્વંદ્વ
અમેરિકામાં 10 ટકા ટેરિફ લાગુ થશે કે 15 ટકા, તેને લઈને અંદરખાને ખેંચતાણ જોવા મળી રહી છે. એક તરફ, અમેરિકન કસ્ટમ વિભાગે (CBP) મંગળવારે એક નોટિસ જારી કરીને તમામ આયાતી માલ પર 10 ટકા ટેરિફનો અમલ શરૂ કરી દીધો છે. બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસન મક્કમ છે કે તેઓ આ ટેરિફને 15 ટકા સુધી વધારવા પર કામ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે 15 ટકા ટેરિફ લાદવાના નિર્ણય પર ટ્રમ્પનો વિચાર બદલાયો નથી.
સુપ્રીમ કોર્ટના આંચકા બાદ નવો દાવ
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અગાઉ લાદવામાં આવેલા ઇમરજન્સી ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. આ નિર્ણયથી નારાજ ટ્રમ્પે હવે 'ટ્રેડ એક્ટ 1974' ની કલમ 122 નો સહારો લીધો છે. આ કાયદા હેઠળ પ્રમુખને વધુમાં વધુ 15 ટકા સુધી ડ્યુટી લાદવાની સત્તા મળે છે, જે 150 દિવસ સુધી અમલમાં રહી શકે છે. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટીકા કરતા કહ્યું હતું કે, તેઓ આ ચુકાદાથી અત્યંત શરમીંદા છે અને તેમની પાસે ટેરિફ લાગુ કરવા માટે અન્ય કાયદાકીય વિકલ્પો પણ મોજૂદ છે.
વેપારી જગતમાં મૂંઝવણની સ્થિતિ
કસ્ટમ વિભાગ દ્વારા જારી કરાયેલી નોટિસમાં 20 ફેબ્રુઆરી, 2026 ના રાષ્ટ્રપતિના આદેશનું માર્ગદર્શન હોવાનું જણાવાયું છે, પરંતુ તેમાં ટેરિફ રેટ માત્ર 10 ટકા જ રાખવામાં આવ્યો છે. આ વિસંગતતાને કારણે અમેરિકન ટ્રેડ પોલિસીમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે 15 ટકાના વધારાની સત્તાવાર સૂચના ક્યારે બહાર પાડવામાં આવશે. હાલમાં, જૂની ટેરિફ વસૂલાત રદ કરી દેવામાં આવી છે અને કસ્ટમ વિભાગે નવી દર (10%) મુજબ વસૂલાત શરૂ કરી દીધી છે.


