મુંબઈ : ભારતની કંપનીઓ પાસે એક તરફ કેશ રિઝર્વ ઘટી રહ્યું છે અને બીજી બાજુ તેમના દેવાબોજમાં વધારો થઈ રહ્યો છે જે કંપનીઓ દ્વારા મૂડીખર્ચ થઈ રહ્યાના સંકેત આપે છે. એક ખાનગી રિસર્ચ પેઢી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં બીએસઈ૫૦૦ ઈન્ડેકસમાંની ૩૪૦ કંપનીઓનું કેશ રિઝર્વ ૧લી એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બરના ગાળામાં રૂપિયા ૪૪૦૦૦ કરોડ ઘટી રૂપિયા ૭.૩૬ ટ્રિલિયન પર આવી ગયું છે.
આ લિસ્ટેડ કંપનીઓ પાસે ૩૧મી માર્ચ ૨૦૨૫ના અંતે કુલ રૂપિયા ૭.૮૦ ટ્રિલિયન જેટલુ કેશ રિઝર્વ હતું. હાલમાં દેશમાં વ્યાજ દર પ્રમાણમાં નીચા છે અને ફુગાવો પણ ધીમો પડયો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ખાનગી કંપનીઓ દ્વારા કુલ રૂપિયા ૩૪ ટ્રિલિયનનો મૂડીખર્ચ થયો છે જે વાર્ષિક ધોરણે ૨૨.૪૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય કંપનીઓના કેશ રિઝર્વમાં પ્રથમ વખત ઘટાડો જોવા મળ્યો છે. એક તરફ કેશ રિઝર્વમાં ઘટાડો થયો છે જ્યારે બીજી બાજુ આજ ગાળામાં સમીક્ષા હેઠળની કંપનીઓનું દેવુ પણ રૂપિયા ૨.૦૪ ટ્રિલિયન વધી રૂપિયા ૨૯.૧૫ ટ્રિલિયન પહોંચી ગયું છે. દેવાનો આંક પણ છેલ્લા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો છે.
હાથમાં રોકડનો ઘટાડો અને બીજી બાજુ બોરોઈંગમાં વધારો કંપનીઓ દ્વારા મૂડીખર્ચ શરૂ કરાયાના સંકેત આપે છે, એમ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
માગમાં વૃદ્ધિ, પૂરવઠા સાંકળની સામાન્ય સ્થિતિ તથા નાણાંની સરળ ઉપલબ્ધતાને કારણે કંપનીઓ મૂડીખર્ચ આગળ વધી રહી હોવાનું જણાય છે.
વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિના તથા નાણાં વર્ષ ૨૦૨૭માં પણ મૂડીખર્ચમાં વધારો થવાની રિપોર્ટમાં આશા વ્યકત કરવામાં આવી છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર વિશ્વના અન્ય દેશોની સરખામણીએ સૌથી ઝડપી નજરે પડી રહ્યો છે.
૨૦૨૬માં આઈટી ખર્ચ દસ ટકા વધી ૧૭૬ અબજ ડોલર રહેવા ધારણા
આગામી ૨૦૨૬માં ભારતમાં ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) ખર્ચ ૨૦૨૫ની તુલનાએ ૧૦.૬૦ ટકા ઊંચો રહી ૧૭૬.૩૦ અબજ ડોલર રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. ડેટા સેન્ટર્સ તથા સોફટવેરમાં ઈન્વેસ્ટમેન્ટને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે એમ ગાર્ટનરના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારતના વેપારગૃહો કલાઉડ તથા ડિજિટલ ટેકનોલોજીમાં તેમની સ્વિકૃતિને ઝડપી બનાવી રહ્યા છે જેને પરિણામે ૨૦૨૬માં આઈટી ખર્ચમાં મજબૂત વૃદ્ધિ જોવાઈ રહી છે.
અનિશ્ચિતતા જે વર્તમાન વર્ષના પ્રારંભમાં જોવા મળી રહી હતી તે હવે અટકી ગઈ છે ત્યારે એઆઈ માળખા માટે વધી રહેલી માગ દેશમાં ડેટા સેન્ટર્સમાં નવા ઈન્વેસ્ટમેન્ટની માગ ઊભી કરશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ભારતમાં ડેટા સેન્ટર સિસ્ટમ્સ સેગમેન્ટ સૌથી ઊંચો વાર્ષિક વિકાસ દર સાધવાની ધારણાં છે. ભારતમાં ડેટા સેન્ટર્સની ઉપલબ્ધતા હાલમાં પૂરતી નથી.


