Business

ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો

By GS TEAM
14 Oct 20252 mins read
ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં  ગયા મહિને આઠ ટકાનો વધારો

મુંબઈ : વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં અમેરિકા  ખાતે નિકાસમાં ઘટાડો  થવા છતાં, ચીનની એકંદર નિકાસમાં વધારો થયો છે જેને કારણે અમેરિકા સાથેની ટ્રેડ વોર વચ્ચે પણ ચીનની સ્થિતિ મજબૂત બની હોવાના સંકેત મળે છે. સપ્ટેમ્બરની નિકાસ છ મહિનામાં સૌથી ઝડપી વધી છે. 

ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ચીનની નિકાસ ૮.૩૦ ટકા વધી ૩૨૮.૬૦ અબજ ડોલર રહી છે, એમ ચીનના કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડામાં જણાવાયું હતું. 

અમેરિકા ખાતે ચીનની નિકાસ ગત મહિને ૨૭ ટકા નીચી રહી છે. સતત છઠ્ઠા મહિને દ્વીઅંકી ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા ખાતે ઘટાડો થયો છે, પરંતુ યુરોપના દેશોમાં નિકાસમાં જોરદાર વધારો થતા અમેરિકાનો ઘટાડો ભરપાઈ થઈ શકયો છે.અમેરિકા સિવાયના મથકોએ નિકાસ ૧૪.૮૦ ટકા વધી છે જે માર્ચ ૨૦૨૩ બાદ સૌથી ઊંચી છે. 

અમેરિકાના ટેરિફ છતાં ચીનની નિકાસ સ્થિતિસ્થાપક રહેવા પામી છે. વૈવિધ્યસભર નિકાસ બજારો અને મજબૂત સ્પર્ધાત્મકતાને કારણે ટેરિફ વોર વચ્ચે પણ ચીનની નિકાસ વધવા પામી છે. 

ટેરિફ વોરની મર્યાદિત અસરને કારણે  અમેરિકા સાથેની વેપાર વાટાઘાટમાં ચીન સખત વલણ અપનાવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. 

અન્ય બજારો ખાતેથી મજબૂત માગનો અર્થ ચીન પર અમેરિકાના વધુ ટેરિફની અસર જોવા નહીં મળે તેવી ચીનને અપેક્ષા હોવાનું એક એનાલિસ્ટે  જણાવ્યું હતું. 

આફ્રિકા ખાતે ચીનની નિકાસ ગયા મહિને ૫૬ ટકા વધી છે, જે ફેબુ્રઆરી, ૨૦૨૧ બાદ સૌથી ઝડપી છે. લેટિન અમેરિકા ખાતે જ્યાં જુલાઈ - ઓગસ્ટમાં નિકાસ ઘટી હતી તેમાં સપ્ટેમ્બરમાં ૧૫.૨૦ ટકા વધારો થયો છે. નિકાસની સાથોસાથ ચીનની આયાત ગયા મહિને ૭.૪૦ ટકા વધી હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.