મુંબઈ : ઈરાન યુદ્ધની અસરને કારણે માર્ચમાં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૨.૫૦ ટકા સામાન્ય વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે આયાત ૨૭.૮૦ ટકા વધી છે.
યુદ્ધને કારણે વૈશ્વિક વેપારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા તથા ઊર્જાના ભાવમાં વધારાને કારણે નિકાસ પર અસર પડી છે. જાન્યુઆરી તથા ફેબુ્રઆરીમાં નિકાસમાં ૨૧.૮૦ ટકા જોરદાર વધારો જોવા મળ્યો હતો, જેની સરખામણીએ માર્ચની નિકાસ નોંધપાત્ર નીચી રહી છે.
જાન્યુઆરી તથા ફેબુ્રઆરીની આયાતમાં વાર્ષિક ધોરણે ૧૯.૮૦ વધારો થયો હતો, જેની સરખામણીએ માર્ચની આયાત પ્રમાણમાં ઊંચી જોવા મળી છે.
વૈશ્વિક સ્તરે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં તેજીને કારણે સેમીકન્ડકટર્સની માગમાં વધારાથી ૨૦૨૬ના પ્રારંભમાં ચીનની નિકાસ મજબૂત રહી હતી પરંતુ, ઈરાન યુદ્ધને કારણે માર્ચમાં નિકાસ માગ પર અસર પડી છે અને યુદ્ધ લાંબુ ચાલશે તો નિકાસ પર અસર જળવાઈ રહેવાની એનાલિસ્ટો ધારણાં મૂકી રહ્યા છે.
યુદ્ધને કારણે વૈશ્વિક માગ તથા પૂરવઠા સાંકળ ખોરવાઈ ગઈ છે જેને પરિણામે ચીનની નિકાસ નબળી પડી છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ ઊંચે ગયા છે જેની સીધી અસર વિવિધ ક્ષેત્રમાં ઉત્પાદન ખર્ચ પર તથા માલની હેરફેર પાછળના ખર્ચમાં વધારાના રૂપમાં પડી છે.
ચીનના માલસામાન પર ઊંચા ટેરિફ દર તથા ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તાણને પરિણામે પણ ચીન ખાતેથી અમેરિકામાં નિકાસ મંદ પડી છે.
બદલાઈ રહેલા સમીકરણો વચ્ચે યુરોપ, લેટિન અમેરિકા તથા દક્ષિણપૂર્વ એશિયામાં ચીન પોતાની નિકાસ વધારી રહ્યું છે.


