Business

ઓગસ્ટમાં ચીને 20 ટનથી વધુ સોનું ખરીદ્યું, સતત 22મા મહિને મોટો ખેલ, શું છે ડ્રેગનનો પ્લાન?

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
ચીને સોનાની આકાશ આંબતી કિંમતો વચ્ચે પણ ખરીદી ચાલુ રાખી છે. પીપલ્સ સેન્ટ્રલ બેંક ઓફ ચાઇનાએ ઓગસ્ટ 2026માં 20 ટનથી વધુ સોનું ઉમેરી, ગોલ્ડ રિઝર્વ 2,387 ટન કર્યું છે. સતત 22મા મહિને ખરીદીનો આ સિલસિલો ડોલર પર નિર્ભરતા ઘટાડવાની ચીનની લાંબાગાળાની આર્થિક રણનીતિનો ભાગ છે. 2015 પછીનો આ સૌથી લાંબો ખરીદીનો સમયગાળો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓગસ્ટમાં ચીને 20 ટનથી વધુ સોનું ખરીદ્યું, સતત 22મા મહિને મોટો ખેલ, શું છે ડ્રેગનનો પ્લાન?

China Gold Reserves 2026 : સોના અને ચાંદીની કિંમતોમાં વૈશ્વિક સ્તરે સતત ઉથલ-પાથલ જોવા મળી રહી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ પ્રાઇસ સતત ઊંચાઈઓ સર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીન સોનાની ખરીદી અટકાવવાના મૂડમાં જણાતું નથી. પીપલ્સ સેન્ટ્રલ બેંક ઓફ ચાઇના દ્વારા સોનાની ખરીદીનો સિલસિલો અવિરતપણે ચાલુ રાખવામાં આવ્યો છે. ગત ઓગસ્ટ 2026 માં ચીને પોતાના ગોલ્ડ રિઝર્વમાં આશરે 20 ટનથી વધુ સોનું ઉમેરી દીધું છે. આ સતત 22મો મહિનો છે જ્યારે ડ્રેગનની ગોલ્ડ બાઇંગ પ્રક્રિયા અટક્યા વગર ચાલુ છે.

ઓક્ટોબર 2023 પછીનો સૌથી મોટો માસિક વધારો અને કુલ રિઝર્વ

ચાઇના ડેલીના અહેવાલ મુજબ, હાલના આંકડાઓ દર્શાવે છે કે ચીનના સેન્ટ્રલ બેંકે ઓગસ્ટ મહિનામાં જે સોનું ખરીદ્યું છે, ત્યારબાદ દેશનું કુલ ગોલ્ડ રિઝર્વ વધીને 2,387 ટન પર પહોંચી ગયું છે. ઓગસ્ટ મહિનામાં આ વધારો જુલાઈના અંતની સરખામણીમાં 20,217 કિલોગ્રામ (લગભગ 20.22 મેટ્રિક ટન) જેટલો નોંધાયો છે. ઓક્ટોબર 2023 પછી કોઈપણ એક મહિનામાં થયેલી આ સૌથી મોટી સોનાની ખરીદી છે. તે સમયે એક મહિનામાં 23,016 કિલોગ્રામ (લગભગ 23.02 મેટ્રિક ટન)નો વધારો નોંધાયો હતો, અને છેલ્લા ત્રણ મહિનાનો અત્યાર સુધીનો સૌથી ઊંચો આંકડો છે.

ચીનની લાંબા ગાળાની આર્થિક રણનીતિ અને ડોલર પર નિર્ભરતા ઘટાડવી

સતત 22 મહિનાથી ચાલી રહેલી આ સોનાની ખરીદી પાછળ ચીનનો મોટો વ્યુહાત્મક પ્લાન કામ કરી રહ્યો છે. ચીન પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે સોના પર વિશેષ મહત્ત્વ આપી રહ્યું છે. આ માત્ર ટૂંકા ગાળાનું રોકાણ નથી, પરંતુ તે ચીનની લાંબા ગાળાની આર્થિક રણનીતિનો અત્યંત મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આના દ્વારા ચીન અમેરિકન ડોલર પરની પોતાની નિર્ભરતા ઘટાડીને પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં સોના જેવી સુરક્ષિત સંપત્તિઓને સતત ઉમેરી રહ્યું છે, જેથી ભવિષ્યના વૈશ્વિક આર્થિક જોખમોથી બચી શકાય.

વર્ષ 2015 પછીનો સૌથી લાંબો ખરીદીનો સિલસિલો

સોના પર ચીનનું આ વિશેષ ફોકસ તેની ગોલ્ડ રિઝર્વને મજબૂત કરવાની નીતિને સ્પષ્ટપણે દર્શાવે છે. પીપલ્સ સેન્ટ્રલ બેંક દ્વારા છેલ્લા 22 મહિનાથી કરવામાં આવી રહેલી આ સોનાની ખરીદી વર્ષ 2015 પછીથી ચીનની ગોલ્ડ બાઇંગનો સૌથી લાંબો સિલસિલો સાબિત થઈ રહી છે. વૈશ્વિક બજારમાં સોનાનું વધતું મહત્ત્વ અને ચીનના આ આર્થિક પગલાંઓ આગામી સમયમાં વૈશ્વિક નાણાકીય બજાર પર ઊંડી અસર છોડી શકે છે.